ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિમાં વપરાતાં વનસ્પતિના ચૂર્ણો, ક્વાથ – ઉકાળા, વટીઓ-ગોળીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કુદરતી સ્નેહ જેવા કે ઘી અને તેલમાં વિશિષ્ટ વિધિપૂર્વક વનસ્પતિના ચૂર્ણો, ક્વાથ અનેતાજી વનસ્પતિની લુગદી ભેળવી અને મેડિકેટેડ ઘી અને તેલ પણ બનાવવામાં આવે છે. દરેકે દરેક પ્રકારના તેલીબીયામાંથી મેળવવામાં આવતી તેલના વિશિષ્ટ ગુણોને ધ્યાનમાં રાખીને દવા બનાવવા માટે ઉપયોગ થાય છે તે માટે પણ ગાયના ઘીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આયુર્વેદીય દૃષ્ટિકોણથી ગાયના ઘીનાં ગુણો
મધુર-મીઠો રસ ધરાવતું ગાયનું ઘી પિત્તના રોગને મટાડવા સક્ષમ છે. શરીરને બળ અને પુષ્ટતા આપે છે.
શીતવીર્ય-દ્રવ્ય તરીકે ગાયના ઘીનો વિપાક-એક્ટિવ પ્રિન્લિપલ “શીત” ઠંડો છે. જેથી વિકૃત પિત્તને દૂર કરે છે. પિત્તની ગુણવત્તા સુધારે છે.
ત્રિદોષ નાશક – ગાયનું ઘી તેનાં ચીકાશ અને સારક ગુણને કારણે વાયુ, મધુર-શીતવીર્ય ગુણથી પિત્ત અને બલકારક, વિષનાશક ગુણ સાથે કફતત્વને પણ બળ આપે છે. આથી ત્રણેય વાયુ, પિત્ત અને કફ તત્વના સંતુલન તથા શરીરના બંધારણ અને પોષણ સંબંધિત કામમાં મદદરૂપ થાય છે. અન્ય પશુઓના દૂધમાંથી બનતા ઘીની સરખામણીએ ગાયનું ઘી વધુ આરોગ્યપ્રદ છે.
અન્ય ચરબીયુક્ત ખોરાક અને ગાયના ઘીમાં શું ફેર?
છેલ્લા કેટલાંક દશકાઓથી આરોગ્ય માટે વધુ પડતું વજન એ ખતરો બનતું જાય છે. વારંવાર થતાં રહેતા સર્વેક્ષણાનુસાર મેદસ્વીતામાં સતત વધારો થતો રહે છે. તે સાથે હાર્ટએટેક, ડાયાબિટિસ, સ્ટ્રોક જેવા રોગથી થતાં મૃત્યુ સામે સતત જંગ ચાલી રહ્યો છે. આજથી દશકા પહેલાં થયેલા સંશોધનો ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાને વજન વધવું, કોલેસ્ટ્રોલનો વધારો, હૃદયરોગ, ડાયાબિટિસ, સ્ટ્રોક જેવા રોગ માટે જવાબદાર ગણતા હતા. ચરબીમાં પણ સેચ્યુરેટેડ અને સેચ્યુરેટેડ તથા તેનાં વિવિધ ફાયદા – ગેરફાયદાને ધ્યાનમાં રાખી બને તેટલી એછી ચરબી ખાવી આરોગ્ય માટે જરૂરી છે, તેમ જણાવાતું. તે સાથે એ પણ વાસ્તવિકતા છે કે, સાવચેતી અને આરોગ્ય માટે ચરબીનો ઉપયોગ ઓછો કરવામાં આવતો હોવા છતાં પણ મેદસ્વીતા સાથે સંબંધિત, હૃદયરોગ સંબંધિત રોગોમાં તે લગભગ 30 ટકા જેટલો વધારો થતો જ રહ્યો. આ બાબતની પણ નોંધ લેવાઇ અને ફેટથી ડરી ગયેલા, ફેટને જ કારણભૂતમાંની થતાં સોશોધનોને બદલે ખુલ્લા મનથી થયેલા અનેક સંશોધનો માત્ર ફેટ જ રોગ માટે કારણભૂત છે તેવું નથી, તેવા તારણો આપતા ગયા. તે સાથે વિવિધ વનસ્પતિ તેલમાં ઓલિવ ઓઇલ, કોકોનટ ઓઇલને અન્ય તેલ કરતાં વધુ ફાયદાકારક જણાવ્યું. તે સાથે ઘી-ક્લેરીફાઇડ બટરની વિશિષ્ટતા વિશે પણ તારણો જણાવે છે.
• ઘી વિશે સંશોધનો કહે છે, ઘીમાં રહેલાં કાર્બોનાયલ્સ, લેકટોન્સ અને ફ્રી ફેટીએસિડ્સને કારણે ઘીમાં વિશિષ્ટ સોડમ આવે છે. ઘીમાં ભેજનું પ્રમાણ નહિવત્ છે. ઘી જાતે જ જામેલું રહે છે. ઘી એન્ટીઓક્સિડેટીવ ગુણ ધરાવે છે. ઘીને ગરમ કરવાથી બળીને ધુમાડો થવાનું સ્મોક પોઇન્ડ 450 ડિગ્રી જેટલું ઊંચું છે. આ સાથે તેમાં રહેલ શોર્ટચેઇન ફેટી એસિડ bityrate acid શરીરને તુરંત એનર્જી આપે છે.
• ફિલિપ એ. બાલ્ય નામના અમેરિકન ન્યુટ્રીશનલ કન્સલ્ટન્ટ તથા “પ્રિસ્ક્રીપ્શન ફોર ન્યુટ્રીશનલ હીલીંગ” નામના પુસ્તકના લેખિકા ઘીને પાચન સંબંધિત અનેક રોગની દવા કહે છે. તેઓનાં સંશોધાનુસાર લીલા ઘાસનો ચારો ખાઇને દૂધ આપતી ગાયોના ઘીમાં વિટામીન K2નું પ્રમાણ વધુ હોય છે. ગર્ભાધાન તથા
• ગર્ભાવસ્થામાં ગાયનું ઘી ખોરાકમાં લેવાથી, નવજાત શિશુનાં મસ્તક અને ચહેરાનો વિકાસ યોગ્ય રીતે થવાથી, ભવિષ્યમાં ફુટતા દાંત માટે જડબામાં પૂરતી જગ્યા હોવાથી, દાંત મજબૂત-સુરેખ હોય છે. ચહેરો સપ્રમાણ અને પ્રભાવશાળી બને છે.
• ઘીમાં રહેલ કોન્જયુગેટેડ લીનોલીક એસિડ CLA આંતરડાની ચામડીમાં સોજો મટાડે, ખોરાકનું યોગ્ય શોષણ કરાવે છે,
• જેથી મળમાં અપક્વ ખોરાક વહી જતો અટકવાથી, પોષણ સુધરે છે. પાચન, શોષણ, પોષણ આપતા ગાયના ઘી વિશે લેખિકાએ ઘણું કહ્યું છે.
• ઓજ-વ્યાધિક્ષમત્વ વધારતું ગાયનું ઘી આયુર્વેદે અગ્નિવર્ધક -ડાયજેસ્ટીવ, મેટાબોલિક ગુણથી શરીરની મહત્તમ ક્ષમતા મેળવવામાં મદદ કરતાં ઓજસ્કર ગુણો ધરાવતા ગાયના ઘીને, શરીરમાં સ્નેહન-ચીકાશ, રૂક્ષતા દૂર કરી નાનામાં નાના કોષોની જીવંતતા વધારી “રસાયન”નું કામ કરતું ઉપયોગી આહાર દ્રવ્ય કહ્યું છે. આથી જ ઔષધોથી પરિપક્વ ધૃત, જીવંતીધૃત, રસાયન ધૃત જેવા અનેક ઔષધોથી ચમત્કારિક પરિણામ મળે છે.
• શારીરિક ફાયદાઓ ઉપરાંત ઘી ઉત્તમ “મેધ્ય” ગુણ ધરાવે છે. મનનાં વિચાર, મંથન, યાદશક્તિ, તેજસ્વિતા, લાગણીનું સંતુલન જેવા કાર્યોમાં ઉત્કૃષ્ટતા લાવે છે.
અનુભવસિદ્ધ
આધુનિકો જણાવે છે કે, આખા દિવસની કેલેરીના 25થી 30 ટકા ફેટવાળો ખોરાક આરોગ્યપ્રદ છે. આયુર્વેદાનુસાર અતિયોગ વધારે પ્રમાણમાં થતો ઉપયોગ, હીનયોગ – ઉપયોગ જ ન કરવો જેવી ભૂલોથી બચી અને સમયોગ – જરૂરિયાત મુજબ યોગ્ય પ્રમાણમા ઉપયોગ આરોગ્યપ્રદ છે.