ભારતના એક અધિકારીએ શીખ ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યા માટે કથિત રીતે કાવતરું ઘડ્યું હોવાના ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ફગાવી દેતા ભારતે જણાવ્યું હતું કે આ અહેવાલમાં ગંભીર બાબત પર બિનજરૂરી અને અપ્રમાણિત આરોપો મૂકવામાં આવ્યા છે.
અમેરિકી અખબારે અનામી સ્ત્રોતોને ટાંકીને પન્નુનની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં ભારતીય ગુપ્તચર એજન્સી RAWના અધિકારી સંડોવાયેલા હોવાનો દાવો કર્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ રીપોર્ટમાં ગંભીર બાબત પર ગેરવાજબી અને અપ્રમાણિત આરોપ મૂકવામાં આવ્યાં છે. “સંગઠિત ગુનેગારો, આતંકવાદીઓ અને અન્ય લોકોના નેટવર્ક અંગે યુએસ સરકારે શેર કરેલી સુરક્ષા ચિંતાઓની તપાસ કરવા માટે ભારતે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે અને આ સમિતિની તપાસ ચાલુ છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકન ધરતી પર શીખ ઉગ્રવાદી પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
આતંકવાદના આરોપમાં ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલો પન્નુન યુએસ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે. 7 ડિસેમ્બરે, વિદેશ પ્રધાન એસ જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે ભારતે આ કેસમાં યુએસ તરફથી મળેલા ઇનપુટ્સની તપાસ કરવા માટે એક તપાસ સમિતિની સ્થાપના કરી છે કારણ કે આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા પર અસર કરે છે.