કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ડીપ ફેક વીડિયાના મામલામાં ગુજરાતમાં મંગળવારે વધુ બે લોકોની ધરપકડ કરાઈ હતી. એક આરોપી કોંગ્રેસના નેતાનો PA છે, જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. બંને આરોપીની ધરપકડ કરી અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી હતી. કેસમાં ફસાયેલા સતીશ વાંસોલા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પ્રદેશ કાર્યાલય સંભાળે છે, જ્યારે આરબી બારિયા AAPના દાહોદ જિલ્લા પ્રમુખ છે.
સાયબર ક્રાઈમના ડીસીપી ડો. લવિના સિન્હાએ આ કેસની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર અમિત શાહનો ફેક વીડિયો પોસ્ટ કરવા બદલ બે લોકોની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા શખ્સોમાં પાલનપુરના સતીશ વાંસોલા અને દાહોદના લીમખેડાના રાહુલભાઈ બારીયાનો સમાવેશ થાય છે. આ બંને રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. તેઓએ વીડિયોની સત્યતા ચકાસ્યા વિના પોસ્ટ કરી હતી.
ગઇકાલે આસામના ગુવાહાટીના કોંગ્રેસના કાર્યકર રીતમ સિંહની ધરપકડ કરાઈ હતી. આ વીડિયોમાં અમિત શાહ એવું કહેતા સંભળાય છે કે ભાજપ ફરી સત્તા પર આવશે તો તમામ અનામત હટાવી દેશે. આ મુદ્દે અમિત શાહે સોમવારે કોંગ્રેસ પર આક્રમક પ્રહારો કર્યા હતા ડીપ-ફેક વિડિયોમાં અમિત શાહ તમામ અનામતો રદ કરવાની વાત કરી રહ્યા હતા, જ્યારે તેઓ વાસ્તવમાં તેલંગાણામાં ધાર્મિક આધાર પર માત્ર મુસ્લિમો માટેનો ક્વોટા દૂર કરવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.