બેંગલુરુમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનારા ગ્રાહકોને ફ્રી ઢોસા, લાડુ, કોફી અને અન્ય ખાદ્યપદાર્થો ડિસ્કાન્ટે ઓફર કરવામાં આવતા શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સની બહાર લાંબી કતારો જોવા મળી હતી. દેશના આઇટી શહેરમાં મતદાનને પ્રોત્સાહિત કરવા માટે બ્રુહાથ બેંગ્લોર હોટેલ્સ એસોસિએશન (BBHA) સાથે જોડાયેલી ઘણી રેસ્ટોરન્ટ્સ આવી ઓફર કરી હતી.
કેટલીક રેસ્ટોરન્ટ્સએ મતદાન કરનારા લોકોને મફતમાં અથવા રાહત ભાવે ફૂડ ઓફર કર્યું હતું. કર્ણાટકના કુલ 28માંથી 14 લોકસભા બેઠકો પર શુક્રવારે મતદાન થયું હતું. તેમાં બેંગ્લોર દક્ષિણ, મધ્ય, ઉત્તર અને ગ્રામીણ બેઠકોનો સમાવેશ થાય છે.
શહેરના નૃપતુંગા રોડ પર આવેલી નિસર્ગ ગ્રાન્ડ હોટેલે ‘વોટ માડી, ઓટા માડી’ (તમારો મત આપો અને ભોજન લો) કેમ્પેઇન હેઠળ મતદાન કરનારા મતદાતાઓને મફત બટર ઢોસા, લાડુ અને જ્યુસ ઓફર કર્યાં હતાં.
અગાઉની લોકસભા ચૂંટણીમાં, બેંગલુરુમાં થયેલા માત્ર 54 ટકા મતદાનને ટાંકીને BBHAના પ્રમુખ પીસી રાવે જણાવ્યું હતું કે શહેરમાં શિક્ષિત અને યુવા મતદારોની સંખ્યા સારી હોવા છતાં ખૂબ જ ઓછું મતદાન થયું હતું
‘તેથી, અમે આ ઇનોવેટિવ આઇડિયાની જાહેરાત કરી હતી. આનો અર્થ એ નથી કે બેંગલુરુમાં લોકો પાસે પૈસા નથી. તેમની પાસે પૂરતા પૈસા છે, પરંતુ લોકો હજુ પણ મતદાન કરવા બહાર આવતા નથી. તેથી કેટલીક હોટેલો ફ્રી ફૂડ અથવા કોફી ઓફર રહી રહી છે. અન્ય કેટલીક હોટેલો 20થી 30 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે ફૂડ ઓફર કરી રહી છે. નિસર્ગ ગ્રાન્ડ હોટેલની મુલાકાત લીધા પછી તેમણે જણાવ્યું હતું કે પહેલના ભાગરૂપે લગભગ 2,000 લોકોને મફત બટર ડોસા, લાડુ અને જ્યુસ મળ્યા હતાં.