ઉત્તર પ્રદેશમાં ગત વર્ષે યોજાયેલી એક પરીક્ષામાં અનોખી ઘટના નોંધાઇ હતી. આ ઘટના જોનપુરમાં વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીની હતી. આ યુનિવર્સિટીમાં ડી ફાર્મ (ડિપ્લોમા ઇન ફાર્મસી)ની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં ‘જય શ્રીરામ’ લખ્યું, અગ્રણી ક્રિકેટરોનાં નામ અને કેટલીક અન્ય માહિતી વિસ્તૃત રીતે લખી હતી, જેનો પ્રશ્નપત્ર સાથે કોઇ સંબંધ નહોતો.

ઉત્તરવહીમાં વચ્ચે ‘જય રામજી પાસ હો જાયે’ લાઇન લખેલું ફોટો વાઇરલ થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે ખુલાસો ત્યારે થયો, જ્યારે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુ સિંહે ગત વર્ષે ઓગસ્ટમાં RTI કરી હતી અને 18 વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીને ફરીથી તપાસવાની માગ કરી હતી. તેમણે આરોપ મુક્યો હતો, કે સંબંધિત પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તેમની પાસેથી લાંચ લીધી હતી. વિદ્યાર્થી નેતાએ રાજભવનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી ગવર્નર ઓફિસે ગત વર્ષે ડિસેમ્બરમાં આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.
યુનિવર્સિટી મેનેજમેન્ટની એક કમિટીએ બહારના પ્રોફેસરો દ્વારા ઉત્તરવહીને ફરીથી ચકાસવામાં આવી હતી, જેમાં ચાર વિદ્યાર્થીએ તેમની ઉત્તરવહીમાં કેટલીય જગ્યાએ જય શ્રીરામ લખ્યું હતું. આ સાથે ભારતીય અને વિદેશી ક્રિકેટરોનાં નામ પણ પ્રશ્નના ઉત્તરમાં લખ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને 50 ટકાથી વધુ માર્ક મળ્યા હતા. ઉત્તરવહીની ફરીથી તપાસ થતાં તમામના માર્ક શૂન્ય થઇ ગયા હતા. આ કેસમાં જવાબદાર બે પ્રોફેસરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY