(ANI Photo)

પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથેના ઇન્ટરેક્ટિવ સેશનમાં વ્યાપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવા માટે ભારત સાથે વેપાર વાટાઘાટો શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો.

પાકિસ્તાનની આર્થિક રાજધાનીમાં બુધવારે સિંધ સીએમ હાઉસ ખાતે એક કલાક લાંબી બેઠક દરમિયાન ઉદ્યોગપતિઓએ કેટલાંક કઠિન સવાલો ઉઠાવ્યા હતાં. કરાચીના વેપારી સમુદાયે આર્થિક મુદ્દાઓને ઉકેલવા માટે વડા પ્રધાનના નિર્ધારની પ્રશંસા કરી હતી, પરંતુ તેમને આર્થિક રિકવરી માટે રાજકીય સ્થિરતા લાવવાની સલાહ આપી હતી.

વડા પ્રધાને નિકાસ દ્વારા અર્થતંત્રને ફરી બેઠું કરવાના માર્ગો શોધવા માટે વેપારી સમુદાય સાથે બેઠક કરી હતી, પરંતુ ઉદ્યોગપતિઓએ કહ્યું હતું કે વર્તમાન સંજોગોમાં, ખાસ કરીને ઊંચા ઊર્જા ખર્ચ અને અસંગત સરકારી નીતિઓ સાથે વેપાર કરવો લગભગ અશક્ય છે.

અગ્રણી કેપિટલ માર્કેટ કંપની આરીફ હબીબ ગ્રૂપના વડા આરીફ હબીબે જણાવ્યું હતું કે તમે કાર્યભાર સંભળ્યા પછી સારા રિઝલ્ટ જોવા મળ્યા છે અને આઇએમએફ ડીલમાં પ્રગતિ થઈ છે.હું તમને થોડા વધુ હેન્ડશેક કરવાનું સૂચન કરું છું. તેમાંથી એક ભારત સાથેના વેપાર અંગે છે, જેનાથી આપણા અર્થતંત્રને ઘણો ફાયદો થશે. બીજું, તમારે અદિયાલા જેલના રહેવાસી (જેલમાં બંધ પીટીઆઈ નેતા ઈમરાન ખાનનો સંદર્ભ) સાથે પણ સમજૂતી કરવી જોઇએ.

ભારતે ઓગસ્ટ 2019માં  જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ સીધા વેપાર સંબંધો રહ્યાં નથી.

LEAVE A REPLY