દેશના 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો માટે બુધવારે સાંજે હાઈ-વોલ્ટેજ ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. આ બેઠકો પર 26 એપ્રિલે મતદાન થશે. પ્રચાર પડઘમ શાંત થવાની સાથે આ બેઠકો પર કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચાર, જાહેર સભાઓ કે ચૂંટણી કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો હતો. 2019ની ચૂંટણીમાં NDAને આ 89 બેઠકોમાંથી 56 અને યુપીએને 24 બેઠકો મળી હતી. આમાંથી છ બેઠકોનું ફરી સીમાંકન થયું છે. આમ બીજા રાઉન્ડની ચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.
શુક્રવારે બીજા રાઉન્ડમાં કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકની 28 બેઠકોમાંથી 14, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની 8-8 બેઠકો, મધ્યપ્રદેશની 7 બેઠકો, આસામ અને બિહારની 5-5 બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 3-3 બેઠકો પર મતદાન યોજાશે. આ ઉપરાંત મણિપુર, ત્રિપુરા તથા જમ્મુ અને કાશ્મીરમાં 1-1 બેઠકો પર મતદાન થશે. શુક્રવારના મતદાન પછી કેરળ, રાજસ્થાન અને ત્રિપુરામાં મતદાન પૂર્ણ થશે.
ચૂંટણીપ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રએ રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં એક રેલીને સંબોધિત કરતી વખતે આક્ષેપ કર્યો હતો કે વિરોધી પક્ષો મહેનતના પૈસા અને કીમતી વસ્તુઓ ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વિતરણ કરવાનું આયોજન કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એવી ટીપ્પણીનો ઉલ્લેખ પણ કર્યો હતો કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પ્રથમ હક છે.
મોદીના આક્ષેપનો જવાબ આપતા કોંગ્રેસે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં નિરાશાનો સામનો કર્યા પછી વડાપ્રધાન લોકોને વાસ્તવિક મુદ્દાઓથી બીજે વાળવા માટે જૂઠ્ઠાણા અને દ્વેષપૂર્ણ ભાષણનો આશરો લઈ રહ્યા છે. પાર્ટીએ ચૂંટણી પંચને મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણી માટે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મોદીની આ ટીપ્પણી વિભાજનકારી છે અને ચોક્કસ ધાર્મિક સમુદાયને નિશાન બનાવે છે. જોકે બીજા દિવસે મોદીએ ફરીથી કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો લોકોની સંપત્તિનું પુનઃવિતરણ કરવાની યોજના બનાવી રહી છે
ગયા શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.