વડા પ્રધાન ઋષિ સુનકે ગયા બુધવારે તા. 17ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વૈશાખીની ઉજવણી માટે એક રિસેપ્શનનું આયોજન કરી શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું.

લણણીના તહેવારને ચિહ્નિત કરતા વૈશાખી પર્વે રાજકારણીઓ, સમુદાય અને વિ વિધ ધર્મના નેતાઓ અને સૈન્યના અધિકારીઓ સહિત સો કરતાં વધુ મહેમાનો વડા પ્રધાન સુનક દ્વારા કરાયેલી બ્રિટિશ શીખોની સરાહનાને સાંભળવા માટે એકઠા થયા હતા.

ખુદ બ્રિટિશ પંજાબી એવા સુનકે જણાવ્યું હતું કે, “1699થી ઉજવવામાં આવતા વૈશાખી પર્વ વિશે વિચારવું ખૂબ જ અસાધારણ છે. તેની ઉત્પત્તિ લણણી, ખાલસાના જન્મની ઉજવણી અને સત્ય, કરુણા, સમાનતા, નમ્રતા અને સેવાનો સંદેશ આપતા પવિત્ર શીખ ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબનો પેઢી દર પેઢી ફેલાવો કરના માટે થઇ છે. શીખો દ્વારા થતા દાન અને સમગ્ર બ્રિટનમાં થતા નગર કીર્તન દ્વારા તે મૂર્તિમંત થાય છે અને સમુદાયોને એક સાથે લાવે છે. શીખ ધર્મના અસાધારણ લોકોની વાત કરીએ તો, આપણી પાસે ફૌજા સિંઘ છે, જેઓ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર છે. તો આપણી પોલીસ, આપણા સશસ્ત્ર દળો, બિઝનેસ, શિક્ષણ, આરોગ્યમાં અને બીજા ઘણા બધા ક્ષેત્રે અવિશ્વસનીય લોકો તે મૂલ્યોને દિવસેને દિવસે જીવે છે. હું અહીં ઉપસ્થિત દરેકનો અને સમગ્ર બ્રિટનમાં શીખ પરિવારોનો અંગત આભાર માનીને અંત કરું છું. હું તમને આ વૈશાખીની શાંતિ, આનંદ, સમૃદ્ધિની શુભેચ્છા પાઠવું છું.”

સુનકે આ પ્રસંગે પંજાબમાં વસતા અને યુકે આવતા પહેલા ઇસ્ટ આફ્રિકામાં સ્થળાંતર કરી ગયેલા પોતાના દાદા દાદીને યાદ કરતાં જણાવ્યું હતું કે “ખાસ કરીને વિશેષ લાગે છે કે આજે આપણે વૈશાખીની ઉજવણી માટે નંબર 10 માં રિસેપ્શનનું આયોજન કરી રહ્યા છીએ.’’

તેમણે ગુરુદ્વારામાં આપવામાં આવતા કડા પ્રસાદ પ્રત્યેના પ્રેમની વાત કરી બાળપણની યાદોના તાજી કરી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા અગ્રણીઓમાં પામ ગોસલ (એમએસપી), કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના રીના રેન્જર; કુલવીર રેન્જર, મોહન કૌલ અને સંગીતકાર ચન્ની સિંહનો સમાવેશ થતો હતો.

સુનકે દક્ષિણ ધ્રુવની સૌથી ઝડપી મહિલા આર્મીના કેપ્ટન પ્રીત ચાંડી સહિત કેટલાક અગ્રણી પંજાબીઓની સિદ્ધિઓની પણ નોંધ લીધી હતી. તો ગયા વર્ષે જૂનમાં વડા પ્રધાન દ્વારા પોઈન્ટ્સ ઓફ લાઇટ એવોર્ડથી સન્માનિત કરાયેલા 101 વર્ષના રાજીન્દર સિંઘ ધટ્ટને યાદ કર્યા હતા. જેઓ બીજા વિશ્વ યુદ્ધના અનુભવી હતા અને તેમણે અવિભાજિત ભારતીય ભૂતપૂર્વ સૈનિક સંગઠનની સ્થાપના કરી હતી.

સુનકે ગયા અઠવાડિયે યુ.એસ.માં રહેલા નવજોત સાહનીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેઓ વ્હર્લપૂલ ફાઉન્ડેશન તરફથી નાણા એકત્ર કરી રહ્યા હતા જેના થકી 10,000 મેન્યુઅલ વોશિંગ મશીનો ઓછી આવક ધરાવતા સમુદાયના લોકોને આપવામાં આવશે.

બર્મિંગહામની નિષ્કામ શાળાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના રજૂ કરી હતી.

LEAVE A REPLY