વડા પ્રધાન ઋષિ સુનકે મંગળવારે સંસદ દ્વારા રાતોરાત પાસ કરાયેલા તેમની સરકારના ફ્લેગશિપ સેફ્ટી ઓફ રવાન્ડા બિલને આવકારીને વચન આપ્યું હતું કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને આફ્રિકન દેશ રવાન્ડા લઈ જવાના માર્ગમાં હવે કોઇ અડચણ રહી નથી. સોમવારે રાત્રે, હાઉસ ઓફ લોર્ડ્સે કાનૂની પડકારોને રોકવા માટે તૈયાર કરાયેલા બિલમાં સુધારાની માંગણી સાથે લાંબી મથામણના અંતે આખરે કોમન્સની કાયદાકીય પ્રાધાન્યતાને સ્વીકારીને માર્ગ કરી આપ્યો હતો.
ચાર્ટર્ડ પ્લેન દ્વારા દેશના અનામી એરફિલ્ડ પરથી પ્રથમ ફ્લાઇટ્સ આગામી 10થી 12 અઠવાડિયામાં ઉપડશે તેવી જાહેરાત કરનાર સુનકે ડાઉનિંગ સ્ટ્રીટે બહાર પાડેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સીમાચિહ્નરૂપ કાયદો પસાર કરવો એ માત્ર આગળનું એક પગલું જ નથી પરંતુ સ્થળાંતર અંગેના વૈશ્વિક સમીકરણમાં મૂળભૂત પરિવર્તન છે. સંવેદનશીલ સ્થળાંતર કરનારાઓને જોખમી ક્રોસિંગ કરવાથી રોકવા અને માઇગ્રન્ટ્સનું શોષણ કરતી ગુનાહિત ગેંગના બિઝનેસ મોડલને તોડી પાડવા અમે રવાન્ડા બિલ રજૂ કર્યું છે. આ કાયદો પસાર થવાથી અમને તેમ કરવાની મંજૂરી મળશે અને વિશ્વભરના લોકોમાં સ્પષ્ટ રીતે એક સંદેશ જશે કે જો તમે અહીં ગેરકાયદેસર રીતે આવો છો, તો તમે આ દેશમાં રહી શકશો નહીં. અમારું ધ્યાન હવે જમીન પરથી ફ્લાઇટ્સ મેળવવા પર છે.’’
સુનકે જણાવ્યું હતું કે ‘મારી સરકાર લગભગ 2,200 જેટલા સ્થળાંતર કરનારાઓ અને 200 પ્રશિક્ષિત સમર્પિત કેસવર્કર્સને રાખવા માટે અટકાયતની જગ્યાઓ સાથે આગળના પગલાઓ માટે તૈયાર છે. કોઈપણ કાનૂની કેસોને “ઝડપથી અને નિર્ણાયક રીતે” નિપટવા માટે, યુકેના ન્યાયતંત્રએ 25 કોર્ટરૂમ ઉપલબ્ધ કરાવ્યા છે અને 150 જજીસની ઓળખ કરી છે જેઓ 5,000 બેઠકના દિવસો આપશે. અમે ચોક્કસ સ્લોટ માટે કોમર્શીયલ ચાર્ટર પ્લેન બુક કર્યા છે અને અમારી પાસે 500 ઉચ્ચ પ્રશિક્ષિત વ્યક્તિઓ છે જે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને રવાન્ડા સુધી લઈ જવા માટે તૈયાર છે, જેમાં વધુ 300 વધુ પ્રશિક્ષિત લોકો આગામી અઠવાડિયામાં જોડાશે. હોમ ઑફિસે હાથ ધરેલા સૌથી જટિલ ઓપરેશનલ પ્રયાસોમાંનો આ એક પ્રયાસ છે. પરંતુ અમે તૈયાર છીએ. યોજનાઓ અમલમાં છે.”
તેમણે કોઈપણ વિદેશી અદાલતના હસ્તક્ષેપને નકારી કાઢ્યો હતો અને જરૂરી હોય તો યુકે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સ (ઈસીએચઆર) ના સભ્યપદ પર પુનર્વિચાર કરવા તૈયાર છે.
આ વર્ષના અંતમાં આવનારી સામાન્ય ચૂંટણી પહેલા સુનકે બોટમાં બેસીને યુકે આવવા સમગ્ર ચેનલની ખતરનાક મુસાફરી કરતા અટકાવવાની પ્રાથમિકતા દર્શાવી છે.
ઇલીગલ ઇમિગ્રેશન મિનિસ્ટર માઇકલ ટોમલિન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’જ્યારે રવાન્ડાની ફ્લાઇટ્સ શરૂ થશે ત્યારે તેની અવરોધક અસર ઉભરી આવશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ રવાન્ડાને દેશમાં ઘુસી આવતા ઇલીગલ ઇમીગ્રન્ટ્સ માટે સુરક્ષિત દેશ તરીકે નિયુક્ત કરે છે અને કેટલાક એસાયલમ સિકર્સને ત્યાં મોકલવાની સરકારની યોજનાનો મુખ્ય ભાગ છે.
વિરોધ પક્ષો અને માનવ અધિકાર જૂથો દ્વારા આ બિલની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. પરંતુ ઘણી ચર્ચાઓ પછી લોર્ડ્સે તેમનો વાંધો છોડી દઇ બિલને મંજૂરી આપી હતી. જો કે આ યોજનાને હજુ પણ કાયદાકીય પડકારો દ્વારા રોકી શકાય છે તેવો મત વ્યક્ત થઇ રહ્યો છે.
રવાન્ડા બિલ કઇ રીતે કાર્ય કરશે
સરકાર આ બિલની ગેરકાયદેસર ઇમિગ્રેશનને અટકાવતી નિરોધક અસરના પરિણામે વધતી જતી ગેરકાયદેસર સ્થળાંતર સંખ્યાને ઘટાડવા માટે બેંકિંગ કરી રહી છે અને રાજા ચાર્લ્સ III ની રોયલ સંમતિ પછી તે બિલ કાયદો બનશે.
આ કાયદા હેઠળ, યુકેના કિનારા પર ગેરકાયદેસર રીતે આવતા ઇમીન્ટ્સને તેમના એસાયલમના દાવાઓની કાર્યવાહી થાય ત્યાં સુધી કિગાલી, રવાન્ડા મોકલવામાં આવશે.
ઇંગ્લિશ ચેનલને પાર કરવાનો પ્રયાસ કરનારા પાંચના મોત
ફ્રેન્ચ મીડિયાએ મંગળવારે સવારે અહેવાલ આપ્યો હતો કે ફ્રાન્સના વિમેરેક્સ શહેરની નજીકના વિસ્તારમાંથી યુકે તરફની ઇંગ્લિશ ચેનલને પાર કરવાનો પ્રયાસ કરનારા એક બાળક સહિત પાંચ લોકોના કરૂણ મોત થયા છે. ફ્રેન્ચ કોસ્ટગાર્ડે કહ્યું હતું કે તેઓ કેટલા લોકો હતા એ કહી શકાતું નથી પરંતુ કેટલાય “નિર્જીવ મૃતદેહો” મળ્યા હતા.
પરંતુ કમનસીબે કાયદો પસાર થયાના થોડા કલાકો પછી, ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ કેલેના બીચ પર બોટમાં બેસીને ચેનલ પાર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા X પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે “આ દુર્ઘટનાઓ બંધ થવી જોઈએ. આ સરકાર આ વેપારને સમાપ્ત કરવા, બોટ રોકવા અને લોકોની દાણચોરી કરતી દુષ્ટ ગેંગના બિઝનેસ મોડલને તોડવા માટે બનતું બધું કરી રહી છે, જેથી તેઓ હવે પોતાના જીવને જોખમમાં ન મૂકે.”
ભૂતપૂર્વ ઇમિગ્રેશન પ્રધાન રોબર્ટ જેનરિકે પણ X પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘’સવારની ઘટના “અન્ય એક દુર્ઘટના” છે અને EUએ “સભ્ય દેશોને આ બિનસલાહભરી બોટ્સને કબજે કરવા માટે કાયદેસર કવચ આપવું જોઇએ જે કિંમતી જીવનને દાવ પર મૂકે છે.”