રવિવારે 13 એપ્રિલના રોજ લંડનમાં પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન દરમિયાન કેમ્પેઈન અગેઈન્સ્ટ એન્ટિસેમિટિઝમ (CAA) ના વડા ગિડીઅન ફેલ્ટરને જો તેઓ વિસ્તાર છોડશે નહીં તો તેમની ધરપકડ કરવામાં આવશે એમ કહેનાર એક પોલીસ અધિકારીએ તેમને ‘ઓપનલી જ્યુઇશ’ કહેતા સ્કોટલેન્ડ યાર્ડના વડા – મેટ્રોપોલિટન પોલીસ કમિશનર સર માર્ક રાઉલીના રાજીનામાની માંગ થઇ રહી છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં જણાયું હતું કે કેમ્પેઈન અગેઈન્સ્ટ એન્ટિસેમિટિઝમના ચીફ એક્ઝિક્યુટિવ ગિડિયોન ફાલ્ટર તેમની યહૂદી કેપ પહેરીને ભાગ લઇ રહ્યા હતા ત્યારે એક મેટ પોલીસ અધિકારી દ્વારા કહેવાયું હતું કે ‘’તમારી આ કૂચમાંની હાજરીની પ્રતિક્રિયા વિશે ચિંતિત છું.’’
એક નિવેદનમાં, કેમ્પેઇનર ફેલ્ટરે કહ્યું હતું કે “રેસીસ્ટ્સ, ઉગ્રવાદીઓ અને આતંકવાદી સહાનુભૂતિ ધરાવતા લોકોએ [સર માર્કના] આદેશ હેઠળની મેટ પોલીસના બહાના અને જડતાને જોયા છે અને તે ચોક્કસ ક્ષણે તેમની નિષ્ક્રિયતાથી ઉત્સાહિત થયા છે. તેમણે આ ગુનાખોરીને ડામવા માટે નવેસરથી નિર્ધારનો સંકેત આપવો જોઈએ. સર માર્કના વડપણ હેઠળ મેટ પોલીસે છ મહિના દરમિયાન યહૂદી સમુદાય સાથે જે કર્યું છે તે સંપૂર્ણપણે અક્ષમ્ય છે અને તેમના જવાનો સમય છે. બસ હવે બહુ થયું. એન્ટી સેમિટિક હિંસાના ભયને લક્ષમાં લેવાના બદલે એવું લાગે છે કે મેટ પોલીસની નીતિ કાયદાનું પાલન કરનારા લંડનવાસી યહૂદીઓ આ માર્ચ થઈ રહી છે તે સ્થળે ન હોવા જોઈએ તેવું છે. પોલીસ માને છે કે તે વિસ્તાર યહૂદીઓ માટે નો-ગો ઝોન છે.”
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન અપેક્ષા રાખે છે કે મેટ પોલીસ કમિશનર, સર માર્ક રાઉલી આ કેવી રીતે બન્યું તેના માટે હિસાબ આપે અને લંડનમાં યહૂદી સમુદાયોને સલામત લાગે તે માટે અધિકારીઓ વધુ કામગીરી કરે તેની ખાતરી કરવા તેઓ શું કરશે તે જણાવે.”
બ્રિટનના સૌથી મોટા પોલીસ દળ મેટ પોલીસના વડા સર માર્ક રાઉલીએ કહ્યું હતું કે ‘’એન્ટી સેમિટિઝમ કેમ્પેઇનરને “ખુલ્લી રીતે યહૂદી” કહેવા બદલ હું વ્યક્તિગત રીતે અમારી માફીનો પુનરોચ્ચાર કરું છું. અમારા અધિકારીઓ હિંમત, સહાનુભૂતિ અને નિષ્પક્ષતા સાથે પોલીસ કામગીરી ચાલુ રાખશે.”
દેશના પોલીસિંગ મિનિસ્ટર ક્રિસ ફિલ્પે કહ્યું હતું કે ‘’હું પેલેસ્ટિનિયન તરફી રેલીઓ સામે ભાગ લઇ રહેલા વિરોધી દેખાવકારો સામે જે બળનો ઉપયોગ થયો તેનાથી ખૂબ જ ચિંતિત છું. કોઈને તેમનો ધર્મ ઉશ્કેરણીજનક છે તેવું કહેવાવું જોઈએ નહીં, કે કોઈ નિર્દોષ વ્યક્તિને ફક્ત અન્ય કોઈની અપેક્ષિત ગેરવાજબી પ્રતિક્રિયાને કારણે ધરપકડની ધમકી આપવામાં આવી છે.”
મેટ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર મેટ ટ્વિસ્ટે આ ઘટના બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એન્ટી સેમિટિઝમ ઝુંબેશ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વિડિયો ઘણા યહૂદી લંડનવાસીઓના આત્મવિશ્વાસને વધુ નુકસાન પહોંચાડશે. અમારા એક અધિકારી દ્વારા ‘ઓપનલી જ્યુઇશ’ શબ્દ વાપરવામાં આવ્યો તે ખૂબ જ ખેદજનક છે. અમે જે નિર્ણયો લઈએ છીએ તે માટેનો તે બિલકુલ આધાર નથી. તે શબ્દોની નબળી પસંદગી હતી અને તેમનો હેતુ ખરેખર તે ન હતો. અમે જાણીએ છીએ કે તેનાથી ઘણા લોકો નારાજ થયા હશે. અમે તે માટે માફી માંગીએ છીએ.”
પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ધ સન્ડે ટેલિગ્રાફ’માં લખ્યું છે કે, “મેં પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન દરમિયાન થઇ રહેલા પોલીસિંગમાં ઘણો ડર અને વધુ પક્ષપાત જોયો છે. પરંતુ આવી નિષ્ફળતા અને બદલાવના ઇનકાર પછી, મેટ કમિશનરે જવાબદારી સ્વીકારવાની જરૂર છે. અને તેમણે જવું જ જોઈએ. કૂચમાં લોકોનું વર્તન એન્ટી સેમેટિક હતું જેમને પોલીસનું જાણે કે પ્રોત્સાહન હતું. કાં તો આ સંપૂર્ણ અસમર્થતા છે, અથવા તે ઉપરથી આવતી સંસ્કૃતિ છે, જ્યાં ગુંડાઓ ડરાવવા અને હેરાન કરવા માટે સ્વતંત્ર છે. જ્યારે બાકીના લોકોએ પોતાનું મોં બંધ રાખવું પડશે અને રસ્તાથી દૂર રહેવું પડશે.”
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમે મેટ પોલીસની માફીનું સ્વાગત કરીએ છીએ, અને ઝડપથી આગળ વધી રહેલા જાહેર વિરોધ સામે પગલા લેવાની પોલીસ કામગીરીની મુશ્કેલીઓને ઓળખીએ છીએ, પરંતુ ફક્ત યહૂદી હોવાને કારણે – અથવા કોઈપણ અન્ય જાતિ અથવા ધર્મને ક્યારેય ઉશ્કેરણીજનક તરીકે જોવું જોઈએ નહીં. કોઈપણ ધર્મની કોઈપણ વ્યક્તિ તેમના જીવન માટે સલામતી અનુભવે તે માટે સ્વતંત્ર હોવી જોઈએ.”
સર માર્કને આ અઠવાડિયે પોલીસિંગ મિનિસ્ટર ક્રિસ ફિલ્પ સાથેની મીટિંગ માટે બોલાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં તેઓ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે. લંડનના મેયર સાદિક ખાને પણ પોલીસ કમિશનરને સોમવારના રોજ આ ઘટના અંગેના આક્રોશ બાદ “સામુદાયીક સંબંધો” પર ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. જો કે તેઓ મેયરનો વિશ્વાસ જાળવી રાખશે તેવું માનવામાં આવે છે. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ પોલીસ ફોર્સ અને મેયર ખાનને આ ઘટના વિશે પત્ર લખ્યો છે.
નંબર 10 એ ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની પોલીસ કમિશનરના રાજીનામાની માંગનો પડઘો પાડવાનું બંધ કરી દીધું છે. સરકારી સૂત્રોએ પણ તેમને બરતરફ કરી શકાય તેવી શક્યતાને નકારી કાઢી હતી.
બ્રિટિશ યહૂદીઓના બોર્ડ ઑફ ડેપ્યુટીઝે સર માર્કને “પરિસ્થિતિની ગંભીરતાને વધુ મજબૂત કરવા માટે તાત્કાલિક બેઠક કરવા અને તેને મેટ પોલીસમાં “વિશ્વાસની ગંભીર ખોટ” તરીકે વર્ણવી તેનું સમારકામ શરૂ કરવા માટે પત્ર લખ્યો છે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ ફાટી નીકળ્યા બાદ લંડનમાં ખાસ કરીને વિકેન્ડમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો અને દેખાવો થઇ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો માટે મેટ પોલીસની કામગીરી ઘણીવાર અનેક ધરપકડોમાં પરિણમે છે, તે નજર હેઠળ છે. તે પૈકીના ઘણા દખાવો ગરમ બને છે.