ભારતનો ૧૭ વર્ષનો ચેસ ગ્રાન્ડમાસ્ટર ગુકેશ ઈતિહાસ સર્જી કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે અને હવે તે ચીનના વર્લ્ડ ચેમ્પિયન લિરેનને આ વર્ષના અંત અગાઉ પડકારશે. ગુકેશે કેનેડામાં યોજાએલી આ સ્પર્ધામાં ૧૪માં રાઉન્ડની આખરી નિર્ણાયક મેચ ડ્રો કરી હતી. ગુકેશ સૌથી નાની વયે કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીતનાર ચેસ ખેલાડી બન્યો છે. આ અગાઉ કેન્ડીડેટ્સ ચેસ સ્પર્ધામાં સૌથી નાની વયના વિજેતા તરીકેનો રેકોર્ડ રશિયાના ગેરી કાસ્પારોવનો હતો. તેણે 22 વર્ષની ઉમરે, ૪૦ વર્ષ પહેલા આ સિધ્ધી મેળવી હતી અને તત્કાલિન વર્લ્ડ ચેમ્પિયન એનાતોલી કાર્પોવને પડકાર્યો હતો.
કાસ્પોરોવનો સૌથી નાની વયના કેન્ડીડેટ્સ ચેસ ચેમ્પિયનનો રેકોર્ડ આજ સુધી અકબંધ રહ્યો હતો, સોમવારે ગુકેશે તે રેકોર્ડ તોડી પોતાના નામે કર્યો હતો.
ગુકેશ ૧૪મી નિર્ણાયક મેચમાં અમેરિકાના નાકામુરા સામે સામે હારવો ન જોઈએ એટલી જ તકેદારી તેણે રાખવાની હતી. તેણે નાકામુરાને ડ્રો ખેંચવા ખેંચવા મજબુર કર્યો હતો અને તેના કુલ પોઈન્ટ ૯.૦૦ થયા હતા જે તેના નજીકના હરિફ કરતા વધુ હતા.
આમ ગુકેશ ૦.પની સરસાઈથી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં વિજેતા રહ્યો હતો. તેને વિજેતા તરીકે રૂા. ૭૮ લાખ જેટલી રકમ પણ મળી હતી. વિશ્વનાથન આનંદ પછી ગુકેશ કેન્ડીડેટ્સ સ્પર્ધા જીતનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે. વિશ્વનાથન આનંદ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહ્યો હતો.