અમેરિકાના એરિઝોનામાં લેક પ્લેઝન્ટ નજીક સંખ્યાબંધ વાહનોના અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. મૃતકોની ઓળખ 19 વર્ષીય નિવેશ મુક્કા અને 19 વર્ષીય ગૌતમ પારસી તરીકે થઈ છે. બંને વિદ્યાર્થી એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતા અને ભારતના તેલંગાણા રાજ્યના હોવાનું માનવામાં આવે છે.
પિયોરિયા પોલીસના જણાવ્યા અનુસાર કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર 20 એપ્રિલના રોજ સાંજે 6:18 વાગ્યાની આસપાસ જીવલેણ અકસ્માત થયો હતો. બે વ્હિકલ સાથે સંખ્યાબંધ વાહનો અથડાયા હતા. સફેદ 2024 કિયા ફોર્ટ અને લાલ 2022 ફોર્ડ F150ની એકબીજાની સાથે ટક્કર થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ રેડ F150નો ડ્રાઈવર કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર દક્ષિણ તરફ જઈ રહ્યો હતો જ્યારે વ્હાઇટ કિયા ફોર્ટ ઉત્તર તરફ જઈ રહી હતી.
આ અકસ્માતમાં મુક્કા અને પારસીના ઘટનાસ્થળ પર મોત થયાં હતાં. તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર પછી મુક્ત કરવામાં આવ્યો હતો. અન્ય કારના ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.