છત્તીસગઢમાં ચાલુ વર્ષેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 80 નક્સલવાદીનો સફાયો કરાયો છે અને 125થી વધુની ધરપકડ કરાઈ છે. વધુમાં 150 નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું છે. છેલ્લાં દિવસ પહેલા સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 29 નક્સલીઓ માર્યા ગયા છે, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.
પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)ના એક મુખ્ય નક્સલવાદી સંગઠને ગુરુવારે એક નિવેદન બહાર પાડી 16 એપ્રિલે છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા 29માંથી 27 નક્સલીઓના નામ જાહેર કર્યા હતાં.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, 2004-14ની સરખામણીમાં 2014-23માં દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંબંધિત હિંસામાં 52 ટકાનો ઘટાડો થયો છે. આવી હિંસાનો મૃત્યુઆંક 6,035થી 69 ટકા ઘટીને 1,868 થયો છે. ડિસેમ્બર 2023માં છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાંઈ સરકારની રચના થઈ ત્યારથી નક્સલવાદી સામે આકરી કાર્યવાહી કરાઈ છે.
ગયા વર્ષના અંતમાં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિની વિગતવાર સમીક્ષા કર્યા પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સુરક્ષા દળોને માઓવાદીઓ સામે સખત ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. અમિત શાહના આદેશ પછી એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરાઈ હતી. આ સમિતિમાં પોલીસ ડિરેક્ટર જનરલ્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સિંસ, ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડાઓનો સમાવેશ કરાયો હતો.
સુરક્ષા દળોએ 2014થી નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં પોતાના કેમ્પો સ્થાપવાનું શરૂ કર્યું છે. 2019 પછી આવા 250થી વધુ કેમ્પોની સ્થાપના કરવામાં આવી છે. તેનાથી આ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષામાં વધારો થયો છે.