મુંબઈની વિશેષ અદાલતે શુક્રવારે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરને રૂ. 466.51 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટના નિર્ણયથી ચાર વર્ષ પછી જેલમાંથી બહાર જવાનો માર્ગ મોકળો થયો હતો.
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ માર્ચ 2020માં મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂરની ધરપકડ કરી હતી, અને તેમની સામે બેંકમાં છેતરપિંડી સંબંધિત આઠ કેસ નોંધવામાં આવ્યાં હતાં. બેંકરને હવે તમામ કેસમાં જામીન મળી ગયા છે.
રાણા કપૂરના વકીલ રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમની મુક્તિની સુવિધા માટે જામીનની ઔપચારિકતાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તાજેતરમાં EDએ યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂર વિરુદ્ધ મુંબઈની વિશેષ અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. EDનો આરોપ છે કે કપૂર અને તેના પરિવારના સભ્યોએ તેમની કંપનીઓના માધ્યમથી મોટી લોન મંજૂર કરાવવા માટે 4,300 કરોડ રૂપિયાની રકમ લોન સ્વરૂપે મેળવી હતી. કપૂર પર આરોપ છે કે લોનની રિકવરીના બદલામાં તેમણે લાંચ લીધી હતી જેને પગલે તે સંપત્તિ નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) માં ફેરવાઈ ગઈ છે