ટાટા મોટર્સ તમિલનાડુ ખાતેના તેના સૂચિત એક બિલિયન ડોલરના પ્લાન્ટમાં જેગુઆર લેન્ડ રોવર (JLR) લક્ઝરી કારોનું ઉત્પાદન કરશે, એમ હિલચાલથી માહિતગાર બે સૂત્રોએ જણાવ્યું હતું.
રોઇટર્સના અહેવાલમાં જણાવાયું હતું કે જો યોજના મુજબ કામગીરી થશે તો જેએલઆર-બ્રાન્ડની કારનું ભારતમાં પ્રથમ વખત ઉત્પાદન થશે. આ કાર સ્થાનિક સ્તરે વેચવામાં આવશે અને નિકાસ પણ કરવામાં આવશે. JLRની બ્રિટનમાં ત્રણ કાર ફેક્ટરીઓ ધરાવે છે. તે ચીન, બ્રાઝિલ અને સ્લોવાકિયામાં પણ કારનું ઉત્પાદન કરે છે.
માર્ચમાં ટાટા મોટર્સે તામિલનાડુમાં નવા પ્લાન્ટમાં રોકાણ કરવાનો તેનો ઈરાદો જાહેર કર્યો હતો પરંતુ ત્યાં કયા વિશિષ્ટ મોડલ્સનું ઉત્પાદન કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરી ન હતી. હાલમાં તે અંગે અનિશ્ચિતતા છે કે સૂચિત ફેક્ટરીમાં કયા JLR મોડલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. ટાટા મોટર્સે 2008માં JLR હસ્તગત કરી હતી. જોકે ટાટા મોટર્સે આ અહેવાલને અટકળો ગણાવીને ફગાવી દીધા હતાં.
ભારતમાં રેન્જ રોવર ઇવોક, ડિસ્કવરી સ્પોર્ટ અને જગુઆર એફ-પેસ જેવી કારનું વેચાણ કરે છે. ભારતમાં જેએલઆર હજુ પણ એક વિશિષ્ટ બ્રાન્ડ છે. ભારતમાં વેચાતા મોડલને બ્રિટનમાંથી ફૂલી બિલ્ટ વ્હિકલ તરીકે અથવા પાર્ટસ તરીકે નિકાસ કરવામાં આવે છે. આ પછી તેનું પુણે શહેર નજીકના પ્લાન્ટમાં એસેમ્બલિંગ કરવામાં આવે છે.
JLR ટાટા મોટર્સની આવકમાં લગભગ બે-તૃતીયાંશ યોગદાન આપે છે. માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતીય કંપનીએ પાંચ વર્ષમાં તેનો પ્રથમ વાર્ષિક નફો નોંધાવ્યો હતો. સ્પોર્ટી રેન્જ રોવર SUV અને જગુઆર સલૂનની મજબૂત માંગને કારણે ટાટા મોટર્સે સારો નાણાકીય દેખાવ કર્યો હતો.
આ બ્રિટિશ બ્રાન્ડનું વૈશ્વિક રિટેલ વેચાણ ગયા નાણાકીય વર્ષમાં 22% વધીને લગભગ 432,000 કાર થયું હતું. ભારતમાં તે મર્સિડીઝ-બેન્ઝ સાથે સ્પર્ધા કરે છે. ભારતનું તેનું વેચાણ માત્ર 4,436 યુનિટ રહ્યું હતું. જોકે લક્ઝરી કારની વધતી માંગને કારણે આ વેચાણ એક વર્ષ અગાઉ કરતાં 81% વધ્યું હતું.