કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રાજ કુન્દ્રાની ₹97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી.
અટેચ કરેલી મિલકતોમાં શિલ્પા શેટ્ટીના નામે નોંધાયેલ મુંબઈના જુહુ વિસ્તારના ફ્લેટ, પુણેમાં આવેલો રહેણાંક બંગલો અને રાજ કુન્દ્રાના નામે ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
વેરિએબલ ટેક પીટીઇ લિમિટેડ અને વિવિધ એમએલએમ એજન્ટો સામે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ બંને દ્વારા દાખલ કરાયેલ બહુવિધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઇઆર)ના આધારે EDએ તપાસ શરૂ કરી હતી.
ઇડીએ જણાવ્યું હતું કે “એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓએ બિટકોઇન્સના રૂપમાં પ્રતિ માસ 10% વળતરના ખોટા વચનો સાથે બિટકોઇન્સ (2017માં જ ₹6,600 કરોડના)ના રૂપમાં મોટી માત્રામાં ભંડોળ એકત્ર કર્યું હતું.” EDની તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે “રાજ કુન્દ્રાને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ સ્થાપવા માટે ગેઈન બિટકોઈન પોન્ઝી કૌભાંડના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મળ્યા હતા”.
આ બિટકોઇનની વર્તમાન કિંમત રૂ.150 કરોડથી વધુ છે. આ કેસમાં પ્રથમ ફરિયાદ 11 જૂન 2019ના રોજ દાખલ કરવામાં આવી હતી અને પૂરક ફરિયાદ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દાખલ કરવામાં આવી હતી. જે બાદ વિશેષ PMLA કોર્ટે આના પર કાર્યવાહી કરી હતી. અગાઉ EDએ 69 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
મોબાઈલ એપ્સ પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને અપલોડ કરવા બદલ જુલાઈ 2021માં રાજની ધરપકડ કરાઇ હતી. લગભગ 2 મહિના પછી તેને જામીન મળ્યાં હતા.