ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર બુધવાર (17 એપ્રિલ)ની સાંજે પ્રચાર પડઘમ શાંત થયા હતાં. આ 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. આ બેઠકો પર ભાજપની આગેવાની હેઠળના NDA અને વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓ મતદારોને રીઝવવાના છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતાં. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થશે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આઠ કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબ (ત્રિપુરા) અને નબામ તુકી (અરુણાચલ પ્રદેશ), તથા ભૂતપૂર્વ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન (તેલંગાણા) સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાં છે. આઠ કેન્દ્રીય પ્રધાનોમાં નીતિન ગડકરી, કિરેન રિજિજુ, સર્બાનદા સોનોવાલ, સંજીવ બાલિયાન, જિતેન્દ્ર સિંહ, ભૂપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને એલ મુરુગનનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક તથા કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલિયાન ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ સીટ મુઝફ્ફરનગરથી ચૂંટણી મેદાનમાં છે. જમ્મુ-કાશ્મીરની ઉધમપુર સીટથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર લાલ સિંહ સાથે છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલવર સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બીકાનેરમાં કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન ગોવિંદ રામ મેઘવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન એલ મુરુગન તમિલનાડુની નીલગીરી લોકસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ રાજા સામે ચૂંટણી લડી રહ્યા છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં આ 102 બેઠકોમાંથી યુપીએ 45 અને એનડીએ 41 બેઠકો જીતી હતી.
તમિલનાડુની તમામ 39, રાજસ્થાનની 12, ઉત્તરપ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, આસામ અને મહારાષ્ટ્રની 5-5 બેઠકો, ઉત્તરાખંડ 5, અરુણાચલ પ્રદેશની 2, મેઘાલયની 2, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2 તથા જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, ત્રિપુરાની એક-એક બેઠક પર મતદાન થશે.
ભાજપની આગેવાની હેઠળ એનડીએ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોમાં ઝંઝવાતી ચૂંટણીપ્રચાર કરીને અનેક રેલીઓને સંબોધન કર્યું હતું અને રોડ શો યોજ્યા હતાં. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ 2014માં આશા સાથે લોકો પાસે ગયા હતાં, 2019માં વિશ્વાસ સાથે અને 2024માં ગેરંટી સાથે લોકો પાસે ગયા છે. ઘણી વખત તેમણે કહ્યું હતું કે “દેશભરમાં મોદીની ગેરંટી છે અને હું આ તમામ ગેરંટી પૂરી કરવાની ગેરંટી આપું છું.” ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના કેટલાક કેબિનેટ સાથીએ ચૂંટણીસભા ગજવી હતી.
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ અને અન્ય પક્ષોએ પણ તેમના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો.
ભાજપે ભ્રષ્ટાચાર, વંશવાદની રાજનીતિ અને બંધારણ અને હિંદુ ધર્મના અપમાનના મુદ્દે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ વિપક્ષના નેતાઓએ ચૂંટણી બોન્ડ, કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ, મોંઘવારી અને બેરોજગારી સહિતના અન્ય મુદ્દાઓ પર સરકાર પર પ્રહારો કર્યા હતા. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વિકાસ અને કલ્યાણને પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે લોભામણા વચન અને NRC જેવા વિવાદાસ્પદ મુદ્દાઓથી દૂર રહ્યો છે. “મોદી કી ગેરંટી” નામના ચૂંટણીઢંઢેરામાં ભાજપે એક રાષ્ટ્ર-એક-ચૂંટણી અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે.
‘ન્યાય પત્ર’ નામના 45 પાનાના ચૂંટણીઢંઢેરામાં કોંગ્રેસે પાંચ “ન્યાયના સ્તંભો” અને તેમની હેઠળ 25 ગેરંટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એપ્રેન્ટિસશીપનો અધિકાર, એમએસપી માટેની કાનૂની ગેરંટી, એસસી, એસટી અને ઓબીસી માટે અનામતની મર્યાદામાં વધારો, દેશવ્યાપી જાતિગત ગણતરી અને અગ્નિપથ યોજનાને રદ કરવી જેવા લોભામણા વચનો આપ્યાં છે.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે ઉત્તર પ્રદેશના સહારનપુર અને મુરાદાબાદમાં રેલીઓને સંબોધી હતી. જમ્મુ અને કાશ્મીરમાં, મોદીએ લોકોને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અંગે આશ્વાસન આપ્યું હતું.