એનડીટીવીના પોલ ઓફ ઓપિનિયન પોલ્સ અનુસાર 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટી વિક્રમજનક સતત ત્રીજી ટર્મ માટે સત્તારૂઢ થવાની ધારણા છે, જોકે તેને ‘અબકી બાર, 400 પાર’ લક્ષ્યાંકથી ઓછી બેઠકો મળી શકે છે.
ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને લોકસભાની કુલ 543માંથી 365 બેઠકો મળવાની ધારણા છે અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધનને 122 બેઠકો મળી શકે છે. બંનેમાંથી એકપણ ગઠબંધનમાં જોડાયેલી નથી તેવા પક્ષોને 56 બેઠકો મળવાની ધારણા છે.
2019ની ચૂંટણીમાં એનડીએને 353 બેઠકો (ભાજપને 303 ) અને કોંગ્રેસની આગેવાની હેઠળના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનને 90 બેઠકો મળી હતી.
કુલ નવ ઓપિનિયન પોલના સરેરાશ ડેટાને આધારે આ અંદાજ કાઢવામાં આવ્યો છે. ટાઇમ્સ-ઇટીજીના ઓપિનિયન પોલ મુજબ સત્તારૂઢ એનડીએ ગઠબંધનને 358 થી 398 બેઠકો મળી શકે છે, જ્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 110-130 બેઠકો મળવાની ધારણા છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સ, ઝી ન્યૂઝ-મેટ્રિઝ અને ટાઈમ્સ-મેટ્રિઝના ઓપિનિયન પોલ મુજબ એનડીએને 350 થી વધુ સીટો મળવાની અને ઇન્ડિયા ગઠબંધનને 100થી ઓછી મળવાની ધારણા છે.
ભાજપના વડપણ હેઠળનું એનડીએ ગઠબંધન આઠ રાજ્યો અને એક કેન્દ્રીયશાસિત પ્રદેશમાં વિપક્ષના સૂપડા સાફ કરે તેવી ધારણા છે. આ રાજ્યોમાં ગુજરાત, અરુણાચલપ્રદેશ, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ સાત ગુજરાતની તમામ 26, અરુણાચલ પ્રદેશની બે, ચંદીગઢની એક, ઉત્તરાખંડની પાંચ, હિમાચલ પ્રદેશની ચાર અને દમણ અને દીવની એક પર કબજો કર્યો હતો. પાર્ટીએ રાજસ્થાનની 25માંથી 24 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
હિન્દી હાર્ટલેન્ડ ગણાતા યુપી, બિહાર અને મધ્યપ્રદેશની કુલ 149 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 137 બેઠકો મળવાની ધારણા છે. દેશમાંથી લોકસભાની સૌથી વધુ બેઠકો ધરાવતા યુપીના તમામ 80 બેઠકો ભાજપ અને તેના સાથી પક્ષોને મળવાની ધારણા છે. મધ્યપ્રદેશની માત્ર એક જ બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળવાની ધારણા છે.
મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકોમાંથી વિપક્ષી ગઠબંધનને 30 અને બાકીની તમામ બેઠકો એનડીએ ગઠબંધનને મળવાની ધારણા છે. પશ્ચિમ બંગાળની કુલ 42 બેઠકોમાંથી મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસને 22 બેઠકો અને ભાજપને 19 બેઠકો મળવાની ધારણા છે.