(ANI Photo)

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં આદિત્ય શ્રીવાસ્તવ ટોપ રેન્ક મેળવ્યો હતો. અનિમેષ પ્રધાન અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ અનુક્રમે દ્વિતીય અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં ગુજરાતના વિક્રમજનક 25 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને ટોપ 100માંથી ગુજરાતના ત્રણ વિદ્યાર્થીએ સ્થાન હાંસલ કર્યું હતું.

ગુજરાતમાથી અગાઉ 2014માં 22 વિદ્યાર્થી પાસ થયા હતા. ગુજરાતમાંથી આ વખતે પાંચ યુવતીઓ પણ પાસ થઈ છે, જે પણ એક રેકોર્ડ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્યના ટોપર્સમાં સુરતની અંજલિ ઠાકુર 43મા ક્રમે રહી હતી, જે ભારતીય વહીવટી સેવા (IAS)માં કારકિર્દી બનાવવા ઈચ્છે છે.

UPSCએ જણાવ્યું હતું કે કુલ 1,016 ઉમેદવારો (664 પુરુષ અને 352 મહિલા) પરીક્ષા પાસ કરી છે અને કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓ માટે તેમના નામોની ભલામણ કરવામાં આવી છે. UPSC દ્વારા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારીઓની પસંદગી કરવા માટે સિવિલ સર્વિસીસ પરીક્ષા વાર્ષિક ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. તેમાં  પ્રિલિમનરી, મેઇન અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.

ટોચના 25 ઉમેદવારોમાં 10 મહિલા અને 15 પુરૂષો છે. સિવિલ સર્વિસિસ (પ્રિલિમનરી) પરીક્ષા, 2023 ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ 10,16,850 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 5,92,141 ઉમેદવારોએ ખરેખર પરીક્ષા આપી હતી.સપ્ટેમ્બર, 2023માં યોજાયેલી લેખિત (મુખ્ય) પરીક્ષામાં હાજરી આપવા માટે 14,624 જેટલા ઉમેદવારો લાયક બન્યા હતા.

LEAVE A REPLY