અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ તાજેતરમાં જાહેર કરેલી ટોપ 10 મોસ્ટ વૉન્ટેડની યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશકુમાર પટેલનું નામ પણ છે. એફબીઆઇએ ભદ્રેશકુમાર પટેલની માહિતી આપનાર માટે અઢી લાખ ડૉલર સુધીના ઈનામની જાહેરાત કરી છે. એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.

ભદ્રેશ કુમાર પટેલ પર તેની પત્ની પલકની હત્યાનો આરોપ છે. તે 2015થી ફરાર છે. તેણે મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, તે સમયે ભદ્રેશ કુમાર પટેલની ઉમર 24 વર્ષની હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની 21 વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને દુકાનના પાછળના રૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા. WTOP રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેશ કુમારની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. એફબીઆઇ ભદ્રેશ પટેલને હથિયાર ધરાવતો અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.

અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કર્યું હતું. વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડૉલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે હજી પણ ફરાર છે.

LEAVE A REPLY