ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો શુક્રવાર, 12 એપ્રિલથી પ્રારંભ થયો હતો. ચૂંટણીપંચના નોટિફિકેશન મુજબ 19 એપ્રિલ, 2024 (શુક્રવાર), ઉમેદરાવી કરવાની છેલ્લી તારીખ છે. 20 એપ્રિલ, 2024 (શનિવાર), ઉમેદવારીપક્ષોની ચકાસણીની તારીખ હશે અને 22 એપ્રિલ, 2024 (સોમવાર), ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. મતદાન 7મી મે (મંગળવાર)ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે અને 4 જૂને ચૂંટણીના તમામ તબક્કાઓ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીપંચે ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારોના નોમિનેશન શરૂ કરવા માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યા પછી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી. ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જયારે કોંગ્રેસે હજું કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ 12 રાજ્યોની 94 બેઠકોમાં ચૂંટણી યોજાશે. આ રાજ્યોમાં આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી અને દમણ-દીવ અને જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.
18મી લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કાના ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ પૂર્ણ થશે. 4 જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.