પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે કાર્યવાહી શરૂ થઇ ગઇ છે, ત્યારે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની- માઈક્રોસોફ્ટે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માઈક્રોસોફ્ટે તાજેતરમાં એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ ચીન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી ભારત સહિત અમેરિકા અને સાઉથ કોરિયામાં યોજાનારી ચૂંટણીઓના પરિણામોને પ્રભાવિત કરી શકે છે. અમેરિકા અને કેનેડા સહિતના દેશોની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના આક્ષેપો વચ્ચે માઈક્રોસોફ્ટના આ રીપોર્ટથી વિશ્વના અનેક દેશોમાં મૂંઝવણ ઊભી થઇ છે.

માઈક્રોસોફ્ટ થ્રેટ ઈન્ટેલિજન્સ દ્વારા ‘સેમ ટાર્ગેટ્સ, ન્યૂ પ્લેબૂક્સઃ ઈસ્ટ એશિયા થ્રેટ એક્ટર્સ એમ્પ્લોય યુનિક મેથડ્સ’ નામના આ રીપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે, ભારત અને અમેરિકા સહિતના વિશ્વના અનેક દેશોમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ચીન પોતાને લાભ થાય તેવી આર્ટિફફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સર્જિત સામગ્રી સોશિયલ મીડિયાના ઉપયોગથી વ્યાપક રીતે ફેલાવશે. જોકે, આવી સામગ્રીથી ચૂંટણીના પરિણામો પર અસર થવાની શક્યતા ઓછી હોવાનું જણાવતાં કંપનીએ ઉમેર્યું હતું કે, ચીન ચૂંટણીના પરિણામો પર ધારી અસર થાય તે હેતુથી વિવિધ ક્ષેત્રે પ્રયોગો વધારી રહ્યું છે જે લાંબાગાળે વધુ અસરકારક સાબિત થવાની સંભાવના છે.

ગત જાન્યુઆરીમાં તાઈવાનમાં યોજાયેલી પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ચીને એઆઈ દ્વારા સર્જિત ગેરમાર્ગે દોરનારા અભિયાનોથી ત્યાંની ચૂંટણી અને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માઈક્રોસોફ્ટ થ્રેટ એનાલિસિસ સેન્ટર દ્વારા પ્રકાશિત આ રીપોર્ટમાં જણાવાયું હતું. વિદેશી ચૂંટણીમાં કોઈ અન્ય દેશ દ્વારા એઆઈ દ્વારા સર્જિત પ્રચાર સામગ્રીના માધ્યમથી પ્રત્યક્ષ રીતે હસ્તક્ષેપ કરાયો હોવાનું આ પ્રથમ ઉદાહરણ હોવાનું કંપનીના રીપોર્ટમાં જણાવાયું છે. રીપોર્ટમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે, આક્રમક વિસ્તારવાદી નીતિ ધરાવતા ચીનનું લક્ષ્ય માત્ર તાઈવાન પૂરતું મર્યાદિત નથી.

LEAVE A REPLY