કેનેડાની સરકારે ઈન્ટર્ન, પાર્ટ-ટાઇમ, કામચલાઉ અને ઓછા અથવા લઘુત્તમ વેતન કામદારોના ‘લઘુત્તમ વેતન’માં વધારો કર્યો છે. મોંઘવારીમાં વધારાને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલ, 2024થી ફેડરલ લઘુત્તમ વેતન $16.65થી વધીને $17.30 પ્રતિ કલાક થશે.
2023માં કેનેડામાં ફુગાવાનો દર 3.9 ટકા વધ્યો હોવાથી તે મુજબ લઘુતમ પગાર પણ વધારવામાં આવ્યો છે. કેનેડામાં અલગ અલગ જગ્યાએ વેતનના દર પણ અલગ હોઈ શકે છે. નોવા સ્કોટિયામાં લઘુતમ વેતન 15.20 ડોલર પ્રતિ કલાક કરવામાં આવ્યું છે. બીજી તરફ બ્રિટિશ કોલંબિયામાં મિનિમમ વેતન 16.75 ડોલરથી વધારીને 17.40 ડોલર થશે.
ક્યુબેકમાં 1 મે 2024થી મિનિમમ વેતન વધીને 15.75 ડોલર પ્રતિ કલાક થશે. ન્યુ ફાઉન્ડલેન્ડ અને લાબ્રાડોરમાં પહેલી એપ્રિલથી મિનિમમ વેતન 15.60 ડોલર પ્રતિ કલાક થશે. જ્યારે પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ પર મિનિમમ વેતન 15.40 ડોલર કરવામાં આવ્યું છે.
કેનેડામાં મિનિમમ વેતન વધવાના કારણે ફેડરલી રેગ્યુલેટેડ પ્રાઈવેટ સેક્ટરમાં લગભગ 30,000 કર્મચારીઓને ફાયદો થશે તેવી ધારણા છે. કંપનીઓએ પોતાના નવા સુધારા પ્રમાણે પે રોલમાં ફેરફાર કરવો પડશે. જેથી કરીને દરેક કર્મચારીને પહેલી એપ્રિલથી અમલમાં આવે તે રીતે નવો પગારવધારો મળશે. કોઈ પ્રોવિન્સના દર અને ફેડરલ દરમાં ફેરફાર હોય તો જે દર વધારે હોય તે પ્રમાણે મિનિમમ વેતન ચૂકવવું પડશે.