UAEના શારજાહમાં નવ માળની ઇમારતમા ગુરુવારની રાત્રે લાગેલી આગમાં બે ભારતીયો સહિત પાંચ લોકોનો મોત થયા હતા અને અન્ય 44 ઘાયલ થયા હતાં.
મૃતકોમાં એક ભારતીય સાઉન્ડ એન્જિનિયર અને એક નવપરિણિત મહિલાનો સમાવેશ થાય છે. આગના કારણે આ મહિલાનો પતિ પણ ગંભીર રીતે દાઝી ગયો હતો.આ ઈમારતમાં 750 ફ્લેટ છે અને તેમાં નવમા માળે આગ લાગ્યા પછી આગની જ્વાળાઓ ઉપર ચઢવા લાગી હતી અને ઉપરના તમામ ફ્લોર સળગી ગયા હતા.
ખાલિજ ટાઈમ્સના અહેવાલ અનુસાર માઈકલ સથ્યાદાસ નામના ભારતીય સાઉન્ડ એન્જિનિયરનું આગની ઘટનામાં દાઝી જવાથી મોત થયું હતું.. સથ્યાદાસ દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે DXB લાઈવમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.
મુંબઈની એક 29 વર્ષીય મહિલાનું પણ શારજાહની આગમાં મૃત્યુ થયું હતું. હજુ ફેબ્રુઆરી મહિનામાં જ આ મહિલાના લગ્ન થયા હતાં. આ મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. ભારતીય દુતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને પરિવારજનોને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.