(ANI Photo)

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે ઘણા મુદ્દા પર તીવ્ર મતભેદો વચ્ચે રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોઝે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી નથી, પરંતુ ઘણા વિસ્તારોમાં ગુંડારાજ ચાલે છે. રાજ્યના કેટલાક ભાગોમાં હિંસા માટે વર્તમાન તૃણમૂલ કોંગ્રેસ સરકારને સંપૂર્ણપણે જવાબદાર ગણી શકાય નહીં, કારણ કે આવી હિંસા ભૂતકાળનો વારસો હોઇ શકે છે.

કોલકાતામાં રાજભવનમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે મમતા બેનર્જી સાથે ઘણા મુદ્દા પર મતભેદ હોઇ શકે છે, પરંતુ તેઓ સારું ડેકોરમ જાળવી રાખે છે. સંદેશખાલીના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે સંદેશખાલીમાં મેં જોયું કે મહિલાઓ સન્માન સાથે શાંતિ ઇચ્છતી હતી, પરંતુ તેમના સન્માનના ટુકડે-ટુકડા થયા હતાં. આ ચિંતાજનક સ્થિતિ છે, જે પશ્ચિમ બંગાળનો માહોલ બગાડી રહી છે. આવી અશાંતિ કેટલાંક વિસ્તારો પૂરતી મર્યાદિત છે, પરંતુ તેમાં વધારો થઈ રહ્યો છે. તે એક મોટો મુદ્દો છે. તેથી હું એમ નહીં કહું કે સમગ્ર પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે, પરંતુ એવા ઘણા વિસ્તારો છે, જ્યાં ગુંડાઓનું નિયંત્રણ છે.

જોકે રાજ્યપાલે રાજ્યની સમગ્ર હિંસા માટે વર્તમાન તૃણમૂલ કોંગ્રેસ સરકારને જવાબદાર ગણાવી ન હતી અને કહ્યું હતું કે તે “ભૂતકાળનો વારસો” છે. પરંતુ સત્તામાં રહેલી સરકારની ફરજ હિંસાને  ડામવાની છે, પરંતુ સરકાર આવું કરી રહી નથી.

રાજ્યની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે IAS અધિકારીઓને જવાબદાર ઠેરવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં અધિકારીઓ સરકાર તરફ પક્ષપાત કરે છે.

 

LEAVE A REPLY