સમગ્ર ઉત્તર અમેરિકામાં 8 એપ્રિલે સંપૂર્ણ સૂર્યગ્રહણનો અદભૂત ખગોળીય નઝારો જોવા મળશે. તેનાથી દિવસ રાતમાં ફેરવાઈ જશે. તે માત્ર અમુક સ્થળોથી જોઇ શકાશે. તેના કારણે ગ્રહણનો અનુભવ કરવાની તકને ઘણીવાર જીવનમાં એકવાર મળેલી તક કહેવામાં આવે છે.
મેક્સિકો, યુએસ અને કેનેડા વચ્ચેના 185-કિલોમીટરના પટમાં આકાશમાં સંપૂર્ણ અંધારું છવાઈ જશે. અમેરિકાના 18 જેટલા રાજ્યોમાં પણ તે જોવા મળશે. જોકે તે ભારતમાં દેખાશે નહીં
આખી ખગોળીય ઘટના લગભગ અઢી કલાક સુધી અનુભવી શકાશે, પરંતુ સંપૂર્ણ અંધકાર માત્ર ચાર મિનિટ ચાલશે. નાસાના જણાવ્યા મુજબ સંપૂર્ણ અંધકાર 4 મિનિટ અને 27 સેકન્ડનો રહે તેવી ધારણા છે.
સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. તેમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે અને સૂર્યના પ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રીતે અવરોધે છે. ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે, ત્યારે તે પૃથ્વી પર પડછાયો બનાવે છે, જેને “પાથ ઓફ ટોટાલિટી” કહેવામાં આવે છે. આ પાથ પ્રમાણમાં સાંકડો પટ્ટો છે, જે સમગ્ર સપાટી પર ફરે છે. આ બેન્ડની અંદર ઊભેલા લોકો જો હવામાન અને વાદળો સહકાર આપે સંપૂર્ણ સૂર્યગ્રહણના સાક્ષી બની શકે છે.
ગ્રેટ અમેરિકન એક્લિપ્સના જણાવ્યા અનુસાર સંપૂર્ણ અંધકારનો સમયગાળો 4 મિનિટ અને 27 સેકન્ડ સુધીનો હશે, જે 21 ઓગસ્ટ, 2017ના ધ ગ્રેટ અમેરિકન એક્લીપ્સ કરતાં લગભગ બમણો હશે.
સૂર્યની સપાટી એટલી તેજસ્વી છે કે જો તમે તેના કોઈપણ ભાગને જોશો તો તે રેટિના કોષોને નુકસાન પહોંચી શકે છે. વિશ્વભરના સ્કાયગેઝર્સને પ્રોટેક્ટિવ આઇવેર પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો આવા ચશ્મા પહેરવામાં ન આવે તો તમારી આંખના રેટિનાને બાળી શકે છે અને કાયમી નુકસાન અથવા અંધત્વનું કારણ બની શકે છે.
જો તમે રૂબરૂમાં સૂર્યગ્રહણના સાક્ષી ન બની શકો તો તમે નાસાના લાઇવ સ્ટ્રીમમાં જોઇ શકો છો. સ્પેસ એજન્સી 8 એપ્રિલના રોજ સાંજે 5:00 PM GMT (10:30 PM IST)થી તેનું લાઈવ સ્ટ્રીમ શરૂ કરશે અને 8:00 PM GMT (1:30 pm IST) સુધી ચાલુ રાખશે.