બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ તેના એક અહેવાલમાં ચોંકાવનારો દાવો કર્યો છે કે ત્રાસવાદીઓનો સફાયો કરવા માટે ભારત પાકિસ્તાનમાં ટાર્ગેટ કિંલિંગ કરાવે છે. 2019માં ભારતમાં પુલવામા આતંકી હુમલા પછી ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ આવી ઓછામાં ઓછી 20 જેટલી હત્યાઓ કરાવી છે. જોકે આ દાવાને નકારી કાઢતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ટાર્ગેટ કિલિંગ ભારતની વિદેશ નીતિ નથી. આ આરોપો ખોટા છે અને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ચાલી રહ્યો છે.
બ્રિટિશ અખબારે લખ્યું હતું કે “ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓએ ‘ધ ગાર્ડિયન’ને જણાવ્યું કે ભારત સરકારે વિદેશી ધરતી પર રહેતા આતંકવાદીઓને ખતમ કરવાની પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે પાકિસ્તાનમાં અનેક લોકોની હત્યા કરી છે.” એક અજ્ઞાત ભારતીય અધિકારીને ટાંકીને ધ ગાર્ડિયનએ દાવો કર્યો હતો કે ભારતે ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અને રશિયાની KGB પાસેથી પ્રેરણા લીધી છે.
અખબારે દાવો કર્યો હતો કે બંને દેશો (ભારત અને પાકિસ્તાન)ના ગુપ્તચર અધિકારીઓ સાથેના ઇન્ટરવ્યૂં અને પાકિસ્તાની તપાસકર્તાઓ પાસેથી મેળવેલા દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ભારતની વિદેશી ગુપ્તચર સંસ્થા (RAW) 2019થી રાષ્ટ્રીય સુરક્ષા માટે વિદેશી ધરતી પર હત્યાઓ ચાલું કરી હતી. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)) પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયનું સીધું નિયંત્રણ છે.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાન દ્વારા શેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં સાત મામલા સાથે જોડાયેલા કેટલાક પુરાવા પણ છે. તેમાં સાક્ષીઓના નિવેદનો, ધરપકડના રેકોર્ડ્સ, નાણાકીય નિવેદનો, વોટ્સએપ મેસેજ અને પાસપોર્ટનો સમાવેશ થાય છે. પાકિસ્તાની તપાસકર્તાઓનું કહેવું છે કે આ પુરાવા દર્શાવે છે કે ભારતીય જાસૂસો પાકિસ્તાનની ધરતી પર ટાર્ગેટ કિલિંગમાં સામેલ છે. જોકે ‘ધ ગાર્ડિયન’એ આ દસ્તાવેજોને વેરિફાઇ કર્યાં નથી.
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે 2019માં ભારતના પુલવામામાં આતંકી હુમલા પછીથી ભારતીય જાસૂસી સંસ્થા RAWએ 20 હત્યાઓ કરી છે. ભારત આ તમામ આતંકીઓને પોતાના દુશ્મન માનતું હતું. ભારત પર તાજેતરમાં કેનેડા અને અમેરિકામાં શીખોની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી આ પ્રથમ ઘટના છે કે જેમાં ભારતીય ગુપ્તચર ઓપરેટિવે પાકિસ્તાનમાં ભારતીય ઓપરેશનની પર વાત કરી છે.