સર્વે બતાવે છે કે સર કેર સ્ટાર્મરની લેબર પાર્ટી મજબૂત લીડ ધરાવે છે ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થાય કે શું ટોરીઝ આગામી સામાન્ય ચૂંટણી જીતી શકશે? આશાવાદી લોકો કહે છે કે લોકોએ હજુ સુધી તેમનું મન બનાવ્યું નથી અને તે વાત કન્ઝર્વેટિવ્સને આશાનું એક ઝરણું આપે છે. પણ આ વખતે સ્થિતી બહુ વિકટ છે અને ચૂંટણી જીતવા સુનકે બહુ મોટુ યુધ્ધ લડવું પડશે.
ધ ટાઈમ્સ માટે યુગોવ સર્વે સતત લેબરને 20 કરતા વધુ પોઈન્ટની લીડ દર્શાવે છે અને તેમાં વૃદ્ધિ થઇ રહી છે. નવેમ્બર 2022માં સુનક વડા પ્રધાન બન્યા ત્યારે ટોરી પાસે 26 ટકા લીડ હતી જે હવે ઘટીને 20 પોઈન્ટ થઇ છે. જો કે અડધા મતદારો કહે છે કે આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવને મતદાન કરવાનું વિચારે છે. યુગોવ મતદાન દર્શાવે ઘણા લોકોએ સામાન્ય ચૂંટણીમાં કોને ટેકો આપવો તે અંગે નિશ્ચિતપણે તેમનું મન બનાવ્યું નથી. 2019માં ટોરીને મત આપનાર દર પાંચમાંથી એક કરતાં વધુ લોકો કહે છે કે તેઓ જાણતા નથી કે તેઓ કોનું સમર્થન કરશે. માત્ર 12 ટકા લોકો કહે છે કે તેઓ લેબરને ટેકો આપવા માગે છે.
પોલીંગ અને ફોકસ ગ્રૂપના નિષ્ણાતો કહે છે કે મતદારો બંને મુખ્ય રાજકીય પક્ષોથી ઉચ્ચ સ્તરે મોહભંગ થઇ રહ્યા છે. ટોરીથી કંટાળેલા મતદારો એ ખાતરીથી દૂર છે કે લેબર વધુ સારું રહેશે.
2019માં જેરેમી કોર્બીનની અપ્રિયતાના કારણે પ્રચંડ વિજય મેળવનાર જૉન્સને લેબરની પરંપરાગત બેઠકો જીતી હતી. EU છોડવા માંગતા ઘણા પરંપરાગત લેબર સમર્થકોએ પ્રથમ વખત ટોરીઝને સમર્થન આપ્યું હતું. સુનકે આ મતદારોને લેબર તરફ ન જવા સમજાવવાની જરૂર છે. ટોરીના 2019ના મતદારોમાં હાર્ટલેન્ડ ગ્રામીણ મતદારો તેમજ કહેવાતી રેડ વોલના લોકો હતા. તેમાંના 35 ટકા કહે છે કે તેઓ ચોક્કસપણે ટોરી સાથે વળગી રહેશે જ્યારે 18 ટકા લોકો રીફોર્મને મત આપવાનું આયોજન કરે છે.
કન્ઝર્વેટિવ્સના ચૂંટણી સુપ્રીમો આઇઝેક લેવિડોને આશા છે કે ચૂંટણી નજીક આવતા લીડ સાંકડી થશે અને ટોરીઝ રિફોર્મને મળનારા વોટ મેળવી શકશે. જે મતદારો સ્ટાર્મરને રોકવા માટે પૂરતી કાળજી રાખશે.’’
સર્વેક્ષણો દર્શાવે છે કે લગભગ 40 ટકા અનિર્ણિત મતદારો સુનક NHS વેઇટિંગ લિસ્ટ કાપવામાં સફળ થાય તો, 31 ટકા લોકો માઇગ્રન્ટ્સનો ધસારો અટકાવાશે તો અને 26 ટકા લોકો અર્થવ્યવસ્થા સુધારાય તો ટોરીને મત આપશે એમ કહે છે. આ કારણે જ વડાપ્રધાન રવાન્ડાની ફ્લાઈટને ખૂબ મહત્વ આપે છે.
પણ સામે યુગોવના મતદાન મુજબ લેબર માત્ર 13.5 ટકાની લીડ સાથે ચૂંટણીમાં ઉતરશે તો પણ પક્ષ ટોની બ્લેર-શૈલીનો લેન્ડસ્લાઇડ વિજય મેળવશે. સુનક માટે બીજી મુશ્કેલી એ છે કે જો ટોરી ત્રિશંકુ સંસદમાં સૌથી મોટી પાર્ટી બનશે તો પણ લિબ ડેમ્સ અથવા એસએનપી ભાગીદારી નહિં કરે અને તે DUP પર ભરોસો કરી શકશે નહીં. તેથી સત્તામાં રહેવા માટે સુનકે એકંદર બહુમતી મેળવવી પડશે અને ટોરી સાંસદો માને છે કે આ ક્ષણે તે એક અશક્ય કાર્ય છે.
પણ આ સર્વે હંમેશા સાચા પડતા નથી. 2017માં ચૂંટણી વખતે થેરેસા મે પાસે 20 પોઇન્ટની લીડ હતી પણ ચૂંટણીમાં ટોરીની લીડ માત્ર 2.4 ટકા પોઈન્ટ્સ હતી. જેના કારણે પાર્ટીને સરકાર બનાવવા DUPને ટેકોલેવો પડ્યો હતો. 2015માં ત્રિશંકુ સંસદની આગાહી હતી પણ છ સપ્તાહની ઝુંબેશ બાદ ડેવિડ કેમરને બહુમતી મેળવી હતી.