ઇસ્ટર બેંક હોલીડે વિકેન્ડ દરમિયાન રાષ્ટ્રની સૌથી મોટી સામૂહિક પર્યાવરણીય ઝુંબેશ ‘ગ્રેટ બ્રિટીશ સ્પ્રિંગ ક્લીન’ના ભાગરૂપે સમગ્ર યુકેના 13 BAPS સ્વામિનારાયણ મંદિરો અને અને સેન્ટર્સ દ્વારા નેઇબરહુડની સફાઇ ઝુબેશ ઉપાડવામાં આવી હતી. જેમાં કેન્દ્રોના 216 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને તેમના સ્થાનિક નેઇબરહૂડની સફાઇ કરવા અને કાયાકલ્પ કરવા માટે શેરીઓમાં ઉતરી પડ્યા હતા.

આ ઝુંબેશ દરમિયાન નીસડન, બર્મિંગહામ, ચીગવેલ, કોવેન્ટ્રી, એડિનબરા, લીડ્ઝ, લેસ્ટર, લાફબરો, લુટન, માન્ચેસ્ટર, પ્રેસ્ટન, સાઉથ ઇસ્ટ લંડન અને વેસ્ટ લંડન મંદિરના સ્વયંસેવકોએ 138 બેગ કચરો એકત્રિત કર્યો હતો. ઘણા સ્થાનિક પડોશીઓએ તેમના પ્રયત્નો માટે BAPS સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

અગ્રણી સ્વતંત્ર પર્યાવરણીય ચેરિટી ‘કીપ બ્રિટન ટાઇડી’ દેશમાં દરેકને ઘરઆંગણે પર્યાવરણની કદર કરવા પ્રેરણા આપવા, શિક્ષિત કરવા અને સક્ષમ કરવા માટે કામ કરે છે અને તેમના દ્વારા આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સંસ્થા આ વર્ષે તેની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.

BAPSના નેશનલ કોમ્યુનિટી આઉટરીચ સ્વયંસેવક અંબરીશ લિમ્બાચિયાએ કહ્યું હતું કે, “બીએપીએસ હિંદુ ફેલોશિપના વૈશ્વિક આધ્યાત્મિક નેતા પ. પૂ. મહંત સ્વામી મહારાજ, અમને પર્યાવરણનો આદર અને કાળજી રાખવાનું અને સ્થાનિક લોકોની સેવા કરવાનું શીખવે છે. આવા યોગ્ય હેતુ માટે આટલા બધા સ્વયંસેવકોને એકઠા થતા જોવા એ મંદિર અને તેના પડોશીઓ વચ્ચેની સામુદાયિક ભાવનાનો પુરાવો છે.’’

LEAVE A REPLY