ઇસ્ટ લંડનના રેડબ્રિજ ખાતે રહેતા હાફિઝ અહમદ નામના 29 વર્ષના યુવાનને એક મહિલા પર વારંવાર બળાત્કાર કરવાના અને જાનથી મારી નાખવાની ધમકી આરોપસર 28 માર્ચના રોજ સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે 11 વર્ષની જેલની સજા ફટકારી હતી.
13 નવેમ્બર 2020 ના રોજ એક મહિલાએ ચાર વખત એક પુરુષ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની જાણ કર્યા બાદ મેટ પોલીસ ડિટેક્ટીવ્સે તપાસ શરૂ કરી હતી. આ હુમલા અહમદના ઘરે થયા હોવાથી તપાસના પ્રારંભિક તબક્કા દરમિયાન મર્યાદિત પુરાવા હતા. પણ ખાસ તાલીમ પામેલા અધિકારીઓએ મહિલા સાથે લાંબી વાતો કરી 2018માં શરૂ થયેલા બળાત્કારો અંગે માહિતી મેળવી 14 નવેમ્બર 2020 ના રોજ અહમદની ધરપકડ કરી હતી. કેસ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને સુપરત કરાયા બાદ અહમદ પર મે 2022માં આરોપ મૂકાયો હતો.
પોલીસે ગયા વર્ષ કરતાં 41% જેટલા વધુ બળાત્કાર અને ગંભીર જાતીય અપરાધોના કેસ ચાર્જ કર્યા છે. જેમાં 200 બળાત્કાર સહિત 500 થી વધુ ગંભીર જાતીય અપરાધોનો સમાવેશ થાય છે.