નોર્થ વેસ્ટ લંડનના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે વૈશ્વિક સ્તરે પ્રથમ મનાતા કાર્યક્રમમાં વૈદિક હિંદુ મંત્રોચ્ચાર અને પ્રાર્થનાઓ સાથે લંડનના હિંદુ સમુદાયના સેંકડો સભ્યોએ કિંગ ચાર્લ્સ III અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેથરિનની કેન્સરની બીમારીમાંથી ઝડપથી સાજા થવા પ્રાર્થના કરી હતી.
એચએમ ધ કિંગના રિપ્રેઝન્ટેટિવ અને સિદ્ધાશ્રમના પેટ્રન સાઇમન ઓવેન્સ, ડીએલ.; બ્રિટિશ આર્મી સિવિલ એન્ગેજમેન્ટના પ્રતિનિધિ અને અન્ય પાદરીઓ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ પવિત્ર હનુમાન ચાલીસાના જાપ સાથે મૃત્યુ પર વિજય મેળવતા મહા મૃત્યુંજય જાપ સહિતના વૈદિક મંત્રોનું આહ્વાન કરી પ્રાર્થનાનું નેતૃત્વ કરતાં કહ્યું હતું કે “પ્રાર્થના એ હિંદુઓમાં સાર્વત્રિક પ્રથા છે. તેનો ઉપયોગ દૈવી ઉપચાર માટે કરવામાં આવે છે, તેથી અમે એચએમ કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ કેથરિન માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય અને દેશ અને માનવતા માટે તેમની સક્રિય સેવા ચાલુ રાખે”.
સાઇમન ઓવેન્સે જણાવ્યું હતું કે, “મને આજે સિદ્ધાશ્રમમાં મહામહિમ રાજા અને કેટ માટેની પ્રાર્થનામાં ભાગ લેવાનો આનંદ થાય છે. મને આનંદ છે કે હિંદુ સમુદાય હેરોમાં પ્રાર્થના કરવા માટે એકઠા થયો છે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ વતી હું મહારાજ અને પ્રિન્સેસ બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થાય તે માટે કામના કરું છું. ભગવાન તેમને બંનેને આશીર્વાદ આપે.”
કાર્યક્રમમાં તમિલ સમુદાયનું પ્રતિનિધિત્વ કૃષ્ણા સુરેશ, શીખ સમુદાયનું પરમજીત કોહલીએ કર્યું હતું. હેરો કાઉન્સિલ તરફથી સાધી સુરેશ ઉપસ્થિત રહ્યા હતા તો પંડિત રવિ શર્મા, પ્રશાંત જી, શિવપુરી જી મહારાજ, અને હરિપ્રિયા જીએ પ્રસંગને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે વિવિધ કાઉન્સિલર્સ, અન્ય નેતાઓ અને સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા.
યુ.કે.માં લિવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ કરતા શ્રી પ્રવિણ પાનખણીયા અને હેરોના ભૂતપૂર્વ મેયર અજય મારુએ ગુરુજીનો આભાર વ્યક્ત કર્યો હતો. યુએસએ સ્થિત લિવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. કુસુમ વ્યાસે અને પ્રેયર સર્વિસનું સંચાલન કર્યું હતું.