ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સની સહ-માલિકીની વિસ્તારા એરલાઇન્સમાં પાયલટ્સ સામુહિક રજા પર ઉતરી જતા કટોકટી ઊભી થઈ હતી. સોમવારે 50 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી અને 160થી વધુ મોડી પડી હતી, આજે સવારે લગભગ 38 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. મુંબઈથી 15 ફ્લાઈટ્સ, દિલ્હીથી 12 અને બેંગલુરુથી 11 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી.
નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિસ્તારા પાસેથી ફ્લાઇટ કેન્સેલેશન અને મોટાપાયે વિલંબ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટ્સ એરલાઇનને એર ઇન્ડિયા સાથે મર્જ કરવાના નિર્ણય પછી નવા કરારની શરતોનો વિરોધ કરી રહ્યાં છે.
મીડિયા રીપોર્ટ મુજબ વિસ્તારાના પાઇલટ્સે નવા વેતન માળખાનો વિરોધ કરતાં માટે સામૂહિક રીતે માંદગીની રજા માંગી છે. એર ઇન્ડિયા સાથે વિલીનીકરણ પહેલા વિસ્તારા આ નવા વેતન માળખાનો અમલ કરવા માગે છે.
પાઇલટને કરાયેલા ઇ-મેઇલમાં વિસ્તારાએ જણાવ્યું હતું કે જેઓ નવા પગાર માળખા પર હસ્તાક્ષર નહીં કરે તેમને અપગ્રેડ સિક્વન્સ લિસ્ટમાં સ્લોટ ફાળવવામાં આવશે નહીં. તેઓને પાઇલટ્સ માટેના વન ટાઇમ બોનસ માટે પણ પાત્ર ગણવામાં આવશે નહીં. ઈ-મેલ મળ્યા બાદ કેટલાય પાઈલટ બીમારની રજા પર ઉતર્યા હતાં, જેના કારણે ફ્લાઈટની કામગીરી ખોરવાઈ ગઈ હતી.
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રૂની અનુપલબ્ધતા સહિતના વિવિધ કારણોસર છેલ્લા કેટલાક દિવસોમાં અમારી સંખ્યાબંધ ફ્લાઇટ કેન્સલ થઈ છે અને તેમાં વિલંબ થયો છે. અમારી ટીમો સ્થિતિને સ્થિર કરવા માટે અથાક મહેનત કરી રહી છે.