ગુજરાત ટાઈટન્સે રવિવારે (31 માર્ચ) તેના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની તેની આઈપીએલની મેચમાં હરીફને સાત વિકેટે હરાવી ત્રણ મુકાબલામાં બીજો વિજય નોંધાવ્યો હતો, તો હૈદરાબાદનો ત્રણ મુકાબલામાં આ બીજો પરાજય રહ્યો હતો.
હૈદરાબાદના સુકાનીએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ટીમે 8 વિકેટે 162 રન કર્યા હતા. અભિષેક શર્મા અને અબ્દુલ સમદે 29-29 રન કર્યા હતા, તો હેનરિક ક્લાસેને 24 અને શાહબાઝ એહમદે 22 રન કર્યા હતા. ગુજરાત તરફથી મોહિત શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
જવાબમાં ગુજરાત તરફથી ડેવિડ મિલરે 27 બોલમાં અણનમ 44 અને સાઈ સુદર્શને 36 બોલમાં 45 રન કર્યા હતા, જ્યારે ઓપનર – સુકાની શુભમન ગિલે 28 બોલમાં 36 અને રિદ્ધિમાન સહાએ 13 બોલમાં 25 રન કર્યા હતા. મોહિત શર્માને તેની શાનદાર બોલિંગ (4 ઓવરમાં 25 રન, ત્રણ વિકેટ) બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. સાઈ સુદર્શન અને ડેવિડ મિલરે તેમની ત્રીજી વિકેટની ભાગીદારીમાં 7 ઓવરમાં 64 રન કરી ટીમનો વિજય નિશ્ચિત કર્યો હતો અને છેલ્લી ઓવરમાં ગુજરાતે પાંચ બોલ બાકી હતા ત્યારે ત્રણ વિકેટે 168 રન કરી હૈદરાબાદને હરાવ્યું હતુ.