દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ની કસ્ટડી પૂરી થયા પછી દિલ્હીની કોર્ટે દારૂ નીતિ કેસમાં 15 એપ્રિલ સુધી બે સપ્તાહની માટે જેલમાં મોકલવામાં આવ્યાં હતા. કોર્ટે તેમને તિહાર જેલમાં શિફ્ટ કરતા પહેલા તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને પ્રધાનો આતિશી અને સૌરભ ભારદ્વાજને મળવાની પણ મંજૂરી આપી હતી.
કેન્દ્રીય એજન્સીના નવ સમન્સની અવગણના કર્યા પછી કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેઓ EDની લોક-અપ હતાં.
સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલને રજૂ કરાયા હતા. EDએ જણાવ્યું હતું કે તેઓ પૂછપરછમાં સહકાર આપી રહ્યાં નથી અને ઉડાઉ જવાબો આપ્યાં હતા. તેમણે ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ જાહેર કર્યા ન હતા. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે તેને ભવિષ્યમાં ફરીથી તેમની કસ્ટડીની જરૂર પડી શકે છે. એજન્સીએ જણાવ્યું હતું કે કેજરીવાલે અન્ય AAP સભ્યો વિરુદ્ધ ખોટા પુરાવા આપ્યા હતાં.