લોકસભાની ચૂંટણી પહેલા કેટલાંક વિપક્ષી નેતાઓની ધરપકડનો વિરોધ કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ એકજૂથ થઈને દિલ્હીના રામ લીલા મેદાનમાં રવિવાર, 31 માર્ચે એક મહારેલી યોજી હતી. 27 વિરોધ પક્ષોની આ રેલીમાં એક પછી બીજા વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતાં અને કેન્દ્રીય એજન્સીઓની વિપક્ષી નેતાઓ સામેની કાર્યવાહી બંધ કરવાની જોરદાર માગણી કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો પ્રયાસ કરી રહ્યા છે. જો ભાજપ આ મેચ ફિક્સિંગ ચૂંટણી જીતશે અને બંધારણમાં ફેરફાર કરશે તો તે દેશમાં આગ લગાડી દેશે. આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણી દેશને બચાવવા, આપણા બંધારણને બચાવવા માટે છે.
આ મહારેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે, આ ફાસીવાદ ભારતમાં કામ નહીં કરે. અમે લડીશું અને જીતીશું. સુનીતા કેજરીવાલે હાલમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલનો એક સંદેશ પણ વાંચી સંભળ્યો હતો અને કેટલીક ગેરંટીઓ (ચૂંટણી વચનો) આપ્યાં હતા.
તમામ મુખ્ય વિરોધ પક્ષોના નેતાઓએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને જેલમાંથી મુક્ત કરવાની જોરદાર માગણી કરી હતી. નેતાઓએ દેશની લોકશાહીના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને ભાજપ પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષને ખતમ કરવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રેલી લોકશાહીને બચાવવા માટેની ન હતી, પરંતુ “પરિવાર બચાવો” અને “ભ્રષ્ટાચાર છુપાવો” રેલી હતી.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી પંચ સમક્ષ તમામ બરાબરની તક આપવા સહિતની કુલ પાંચ માગણીઓ રજૂ કરી હતી. કોંગ્રેસને ટેક્સની નોટિસો અને બેન્ક ખાતાની જપ્તીનો ઉલ્લેખ કર્યા વગર તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા વિપક્ષને નાણાના સંદર્ભમાં નબળા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ અને આવકવેરા વિભાગની કાર્યવાહી પણ બંધ થવી જોઈએ