બિહારના પટનાની હાઈકોર્ટે તાજેતરમાં અવલોકન કર્યું હતું કે એકબીજા વચ્ચેના ઝઘડા દરમિયાન જીવનસાથીને ભૂત અને પિશાચ કહેવું ક્રૂરતા નથી. હાઇકોર્ટે આ કેસમાં પતિને એક વર્ષની સજા કરતાં નીચલી કોર્ટના ચુકાદાને પણ રદ કર્યો હતો.
હાઇકોર્ટ સહદેવ ગુપ્તા અને તેમના પુત્ર નરેશ કુમાર ગુપ્તાએ દાખલ કરેલી અરજીની સુનાવણી કરી રહી હતી. પિતા પુત્રને અગાઉ ઘરેલુ હિંસાના કેસમાં નીચલી કોર્ટે એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.
પટના હાઈકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અરજીનો વિરોધ કરતા મહિલાના એડવોકેટે દલીલ કરી હતી કે 21મી સદીમાં એક મહિલાને તેના સાસરિયાઓ ભૂત અને પિશાચ કહેતા હતાં, જે ક્રૂરતાનું એક સ્વરૂપ છે. જોકે કોર્ટે અવલોકન કર્યું હતું કે તે આવી દલીલ સ્વીકારી શકે તેમ નથી.
કોર્ટે જણાવ્યું હતું કે વૈવાહિક સંબંધોમાં અને ખાસ કરીને નિષ્ફળ વૈવાહિક સંબંધોમાં પતિ અને પત્ની બંનેએ ગંદી ભાષાથી એકબીજા સાથે દુર્વ્યવહાર કર્યો હોવાના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. જોકે આવા તમામ આરોપો ક્રૂરતાના દાયરામાં આવતા નથી.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે તમામ આરોપી વ્યક્તિઓએ મહિલાની સતામણી કરી હતી અને ક્રૂરતાપૂર્વક અત્યાચાર કર્યો હતો, પરંતુ કોઈપણ અરજદાર સામે કોઈ ચોક્કસ, અલગ આરોપો નથી. તેથી નીચલી અદાલતોના ચુકાદાઓ રદ કરવામાં આવે છે.