ભારતના સૌથી ધનિક મહિલા ગણાતા સાવિત્રી જિંદાલ ગુરુવારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. અગાઉ સાવિત્રી જિંદાલના ઉદ્યોગપતિ પુત્ર નવીન જિંદાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં. સાવિત્રી જિંદાલ 30 બિલિયન ડોલરથી વધુ સંપત્તિના માલિક છે. તેઓ હરિયાણા સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન છે.
કોંગ્રેસના બેન્ક ખાતા સિઝ થયેલા હોવાથી તે ભારે નાણાકીય સંકટમાં છે. બીજી તરફ ધનાઢ્ય નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે સાવિત્રી જિંદાલ હાલમાં સૌથી ધનાઢ્ય ભારતીય મહિલા છે. તેઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અમીર લોકોની સાથે દેશના ટોચના 5 ધનિકોમાં સ્થાન ધરાવે છે. વિશ્વના ટોચના ધનિકોમાં તેઓ 56મા ક્રમે છે. તેમની પાસે 30 અબજ ડોલરની સંપત્તિ છે.
સાવિત્રી જિંદાલ 10 વર્ષથી હિસારના ધારાસભ્ય છે. વર્ષ 2005માં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ત્યાર પછી તેઓ હિસારથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા. તેમના પુત્ર નવીન જિંદાલ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.