બિલિયોનેર ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને બિઝનેસમાં એકબીજાના હરીફ છે, પરંતુ તેમણે પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીનો કેપ્ટિવ ઉપયોગ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
બંને કંપનીઓએ જણાવ્યું હતું કે કરાર હેઠળ રિલાયન્સ અદાણી પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહાન એનર્જેનના 5 કરોડ ઇક્વિટી શેર ખરીદશે, જેની ફેસ વેલ્યુ રૂ. 10 (રૂ. 50 કરોડ) છે અને 500 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાનો કેપ્ટિવ ઉપયોગ કરશે, આ માહિતી બંને કંપનીએ શેરબજારોને અલગ-અલગ રીતે પાઠવેલા નિવેદનમાં આપી હતી.
બંને પાક્કા બિઝનેસ ખેલાડી છે અને મીડિયામાં તેમજ ટીકારારોમાં ઘણી વખત બંનેને એકબીજાની સામે લડાવવાના પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ આવું શક્ય થયું નથી. બંને શાણા છે અને સંપત્તિ સર્જન કરવામાં બંને તનતોડ મહેનત કરી રહ્યાં છે.
મુકેશ અંબાણી મુખ્યત્વે ઓઈલ અને ગેસથી લઈને રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં બિઝનેસ કરે છે જ્યારે અદાણીનું સામ્રાજ્ય બંદરોથી લઈને એરપોર્ટ્સ, કોલસા અને ખાણકામ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી વિસ્તરેલું છે. બંનેના બિઝનેસ તદ્દન અલગ-અલગ છે, પરંતુ ક્લીન એનર્જી બિઝનેસમાં બંનેએ ઝંપલાવ્યું છે અને આ સેક્ટરમાં બંનેએ અબજો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત પણ કરી છે.
અદાણીની મહત્ત્વકાંક્ષા 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવાની છે જ્યારે રિલાયન્સ ગુજરાતના જામનગર ખાતે ચાર ગીગા ફેક્ટરીઓનું નિર્માણ કરી રહી છે, જેમાં સોલાર પેનલ, બેટરી, ગ્રીન હાઈડ્રોજન અને ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે. અદાણી પણ સોલર મોડ્યુઅલ્સના મેન્યુફેક્ચરિંગ માટે 3 ગીગા ફેક્ટરીઓ સ્થાપી રહ્યાં છે.
અદાણી જૂથે જ્યારે 5G ડેટા અને વૉઇસ સેવાઓ માટે સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી ત્યારે અંબાણી સામે ટક્કર લેવાની આગાહી કરવામાં આવી હતી. જો કે, અંબાણીથી વિપરીત, અદાણીએ 26 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં 400 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું અને આ નેટવર્ક પબ્લિક નેટવર્ક ન હોવાથી બંને વચ્ચે સ્પર્ધાની વાતનો છેદ ઉડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં તાજેતરમાં અનંત અંબાણીની પ્રિ-વેડિંગ સેરેમનીમાં ગૌતમ અદાણીએ પણ હાજરી આપી હતી.