લંડનની ગ્રોવનર મેરિયટ હોટેલમાં યોજાયેલ બ્રિટિશ એશિયન ટ્રસ્ટની વાર્ષિક ઈફ્તારમાં લંડનના મેયર સાદિક ખાન, મિનિસ્ટર લોર્ડ તારિક અહમદ, બેરોનેસ સઈદા વારસી, યુકેમાં પાકિસ્તાનના હાઈ કમિશનર ડૉ મોહમ્મદ ફૈઝલ અને બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એમ્બેસેડર સંગીત નિર્માતા નોટી બોય અને પાકિસ્તાની અભિનેતા સનમ સઈદ સહિત સાઉથ એશિયાના મુસ્લિમ ડાયસ્પોરાના 350 જેટલા અગ્રણી બ્રિટિશ મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં બેરોનેસ શાઇસ્તા ગોહિર OBE, બેથનલ ગ્રીન એન્ડ બોના સાંસદ તથા શેડો મિનિસ્ટર (ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સ્મોલ બિઝનેસ) રૂશનારા અલી અને બર્મિંગહામ, લેડીવુડના સાંસદ શબાના મહેમૂદ સહિત ઘણાં સેલિબ્રિટીઝ, ફિલાન્થ્રોપીસ્ટ, બિઝનેસ લીડર્સ અને ટ્રસ્ટના એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા હતા અને રોઝા ખોલીને ઉદારતાથી £250,000થી વધુ રકમનું દાન આપ્યું હતું.

આ પ્રસંગે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના સંઘર્ષને પ્રકાશિત કરાયો હતો અને પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં ટ્રસ્ટના મહત્વપૂર્ણ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના 2007માં મહામહિમ રાજા ચાર્લ્સ III (ત્યારના પ્રિન્સ ઑફ વેલ્સ) અને બ્રિટિશ એશિયન સાહસિકોના જૂથ દ્વારા સાઉથ એશિયામાં ગરીબી, અસમાનતા અને અન્યાયનો સામનો કરવા માટે કરવામાં આવી હતી.

મેયર સાદિક ખાને કહ્યું હતું કે “રમઝાન એ ચેરિટીનો અને આપવાનો સમય છે અને આ વર્ષે બ્રિટિશ એશિયન ટ્રસ્ટે માનસિક સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા માટે અન્ય એક અદ્ભુત ઇફ્તાર ઇવેન્ટનું આયોજન કર્યું છે. ટ્રસ્ટનું કાર્ય લોકો માટે જીવન બદલી રહ્યું છે અને આ રમઝાન માસમાં તેમને ફરીથી સમર્થન આપવા બદલ મને ગર્વ છે.”

આ પ્રસંગે સનમ સઈદ, બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ હોક્સે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

કાર્યક્રમનું આયોજન બીબીસી બ્રોડકાસ્ટર અને બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એમ્બેસેડર અસદ અહમદ દ્વારા કરાયું હતું.

www.britishasiantrust.org

 

LEAVE A REPLY