ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના મિશનના એક્ટિંગ ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બર્બેનાને બુધવારે બપોરે સમન્સ કર્યા હતાં. . (ANI Photo/Rahul Singh)

શરાબ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાની ટીપ્પણીનો ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના મિશનના એક્ટિંગ ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બર્બેનાને બુધવારે બપોરે સમન્સ કર્યા હતાં.

40 મિનિટની બેઠક પછી ભારતના વિદેશ મંત્રાલયે એક ટૂંકું નિવેદન જારીને બિનઆરોગ્યપ્રદ પરંપરા ન ઉભી કરવા અને બિનજરૂરી અભિપ્રાયો ન આપવાની ચેતવણી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે “દેશો એકબીજાના સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે તેવી અપક્ષા રાખવામાં આવે છે અને લોકશાહી ધરાવતા દેશોના કિસ્સામાં આ જવાબદારી વિશેષ છે. અન્યથા તે બિનઆરોગ્યપ્રદ પરંપરાઓ ઊભી કરી શકે છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે, જે તટસ્થ અને સમયસર પરિણામો માટે પ્રતિબદ્ધ છે.

અગાઉ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહી છે અને જેલમાં બંધ દિલ્હીના મુખ્યપ્રધાન અને વિપક્ષી નેતા માટે “ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયા” સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારને પ્રોત્સાહિત કરી રહી છે.

અગાઉ જર્મનીના વિદેશ કાર્યાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના અન્ય નાગરિકોની જેમ  આમ આદમી પાર્ટીના નેતા પણ ન્યાયી અને નિષ્પક્ષ ટ્રાયલ માટે હકદાર છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોના સંબંધિત ધોરણો  આ કિસ્સામાં લાગુ કરવામાં આવશે. જર્મનીની  આ ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી અને જર્મન રાજદૂતને સમન્સ કર્યા હતા. ભારતે જર્મન વિદેશ કાર્યાલયના પ્રવક્તાની ટિપ્પણીને “આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ” ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જો જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments