અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં મંગળવારે એક કન્ટેનર શીપ અથડાયા પછી એક મોટો બ્રિજ તૂટી પડ્યો હતો. દેખીતી રીતે આ બ્રિજની સાથે તેના પરથી પસાર થઈ રહેલા વાહનો પણ નદીમાં ખાબક્યા હતાં. પુલ ધરાશાયી થયા પછી તેની સાથે 20 લોકો નદીમાં પડ્યાં હોવાની આશંકા છે. બચાવ અને રાહત અધિકારીઓએ પાણીમાં શોધખોળ ચાલુ કરી હતી.
સત્તાવાર સમાચારો મુજબ આ જહાજના ક્રુના તમામ 22 સભ્યો ભારતીયો છે અને જહાજમાં યાંત્રિક ખામી સર્જાયાનો તાકિદનો સંદેશો તેમણે સત્તાવાળાઓને મોકલી દીધો હતો. ક્રુના એક સભ્યને ઈજાઓ થયાનું જાણવા મળે છે. મેરિલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે ક્રુ મેમ્બર્સ હીરો છે, તેમણે ખામી અંગે આપી દેતાં બ્રિજ તરફ જતો કેટલોક ટ્રાફિક અટકાવી શકાયો હતો અને એ રીતે મોટી જાનહાનિ નિવારી શકાઈ હતી.
આ અંગેના ડ્રામેટિક સીસીટીવી ફૂટેજ વાયરલ બન્યાં હતા. જેમાં દેખાય કે નદીમાંથી પસાર થતું કન્ટેનર જહાજ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાય છે. આ બ્રિજ પેટાપ્સકો નદી પર આવેલો હતો. તે 1.6-માઇલ (2.6-કિલોમીટર) લાંબો અને ચાર-માર્ગી બ્રિજ છે.
બાલ્ટીમોર ફાયર વિભાગના કેવિન કાર્ટરાઇટે બાલ્ટીમોર સનને જણાવ્યું હતું કે, “અમારી પાસે એવું માનવા માટેનું કારણ છે કે વાહનો અને સંભવતઃ ટ્રેક્ટર-ટ્રેલર પાણીમાં ડુબ્યાં હતાં.” આ બ્રિજ 1977માં ખુલ્લો મૂકાયો હતો અને વર્ષમાં 11 મિલિયનથી વધુ વાહનોનું વહન કરે છે.
બાલ્ટીમોરના મેયર બ્રાન્ડોન એમ. સ્કોટે જણાવ્યું હતું કે ઇમર્જન્સી ટીમો મોટા પાયે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. આ દુર્ઘટના રાત્રે 1.30 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે જહાજ બાલ્ટીમોરથી જઈ રહ્યું છે. આ દરમિયાન અથડામણ થઈ અને બ્રિજ પડી ગયો હતો આ દરમિયાન પુલ પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે અત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન રાહત અને બચાવ પર છે.