ભારતનો પીઢ અને સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી. સાથિયાન ડબલ્યુટીટી (વર્લ્ડ ટેબલ ટેનિસ) ફીડર મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનારો સૌપ્રથમ ભારતીય બન્યો છે. તેણે લેબેનોનના બૈરૂતમાંમાં રમાયેલી ટુર્નામેન્ટની ફાઈનલમાં ગુજરાતના માનવ ઠક્કર સામે 3-1 (6-11, 11-7, 11-7, 11-4) થી વિજય મેળવ્યો હતો.
30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પુરા થયેલા ફાઈનલ મુકાબલા પહેલા 11મો ક્રમાંક ધરાવતા જી સાથિયાન ટુર્નામેન્ટમાં અગાઉ પાંચમાં ક્રમના હરમીત દેસાઈ (15-13, 6-11, 11-8, 13-11) અને ચુઆંગ ચિહ-યુઆન (11-8, 11-13, 11-8, 11-9) સામે વિજેતા રહ્યો હતો. સાથિયાન માટે ડબલ્યુટીટી ફીડરની માનવ સામેની ફાઈનલ યાદગાર રહી.
ડબલ્યુટીટી ઈવેન્ટમાં સિંગલ્સમાં સાથિયાનનું આ સૌપ્રથમ ટાઈટલ છે. આ ઉપરાંત 2021ના આઈટીટીએફ ચેક ઈન્ટરનેશનલ ઓપન પછી સાથિયાનનું આંતરરાષ્ટ્રીય રેન્કિંગ ઈવેન્ટમાં આ પ્રથમ સિંગલ્સ ટાઈટલ છે.