(ANI Photo)

ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારો ફાઇનલ કરી દીધા છે. પક્ષના કેન્દ્રીય નેતૃત્વએ રવિવારે વડોદરા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી સહિત વધુ છ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. છ ઉમેદવારોમાંથી પાંચ નવા ચહેરા છે. માત્ર એક જ જૂનાગઢ બેઠક પરથી હાલના સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં એટલે કે સાત મેએ મતદાન થવાનું છે.

કોંગ્રેસે ગુજરાતમાં તેના ક્વોટાની 24 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 17 ઉમેદવારો જાહેર કર્યા છે. પાર્ટીએ તેના ઈન્ડિયા ગઠબંધનના પાર્ટનર આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બે બેઠકો આપી છે. AAPએ બંને બેઠકો માટે નામોની જાહેરાત કરી છે. 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો જીતી હતી.

પક્ષમાં વ્યાપક અસંતોષને કારણે શનિવારે વર્તમાન સાંસદ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ પક્ષે વડોદરા બેઠક માટે હેમાંગ જોશીને ઉમેદવાર બનાવ્યાં હતા. જોશી એક ફિઝિયોથેરાપિસ્ટ અને એચઆર પ્રોફેશનલ છે, જેઓ તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતાં. જોશી આ બેઠક પરના યુવા ઉમેદવાર છે. ત્રીજી મુદત માટે રંજન ભટ્ટની ઉમેદવારીનો શહેરના ભૂતપૂર્વ મેયર જ્યોતિ પંડ્યા તેમજ પાર્ટીના હોદ્દેદારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

એ જ રીતે ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ પાર્ટીએ સાબરકાંઠા બેઠક પર શોભના બારૈયાને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. પાર્ટીના કાર્યકરોએ ભીખાજીની ઉમેદવારી સામે પક્ષના નેતૃત્વને રજૂઆતો કરી હોવાના અહેવાલ છે. બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે.

મહેસાણા બેઠક માટે પક્ષે મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઈ પટેલનું નામ આપ્યું હતું. ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણાથી લડવાનો ઈરાદો ન હોવાની જાહેરાત કર્યા બાદ આ માટે પક્ષમાં આ બેઠકના મુદ્દે  ચર્ચા થઈ હતી.

સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એક સંગઠના વ્યક્તિ તરીકે ઓળખાતા શિહોરા મોરબી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ છે અને કોળી સમુદાયના છે. સુરેન્દ્રનગરમાં કોળી સમુદાયનું પ્રભુત્વ છે. અમરેલીમાં પાર્ટીએ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે. સુતરીયા લેઉવા પટેલ છે. તેઓ લાઠી તાલુકાના મતીરાળા ગામના રહેવાસી છે અને ખેતી સાથે સંકળાયેલા છે.

LEAVE A REPLY