કોંગ્રેસે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 11 બેઠકો સહિત 56 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં પાર્ટીએ ગાંધીનગર બેઠક પરથી સોનલ પટેલ, દાહોદ (ST)થી પ્રભાબેન તાવિયાડ અને સુરતમાંથી નિલેશ કુંબાણીના નામ જાહેર કર્યા હતા.
પાર્ટીએ પશ્ચિમ બંગાળની બેરહામપોરથી અધીર રંજન ચૌધરી, કર્ણાટકની ગુલબર્ગાથી પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધાકૃષ્ણ અને સોલાપુરથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલકુમાર શિંદેની પુત્રી પ્રણિતી શિંદેને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે પાર્ટીએ ચૂંટણી માટે અત્યાર સુધી કુલ 138 ઉમેદવારો જાહેર કર્યા છે.
કોંગ્રેસે રાજસ્થાનની સીકર લોકસભા બેઠક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) માટે છોડી દીધી છે.
કોંગ્રેસે તેની ત્રીજી યાદીમાં અરુણાચલપ્રદેશની બે, ગુજરાતની 11, કર્ણાટકની 17, મહારાષ્ટ્રની સાત, રાજસ્થાનની પાંચ, તેલંગાણાની પાંચ, પશ્ચિમ બંગાળની આઠ અને પુડુચેરીની એક બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
અરુણાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીને અરુણાચલ પશ્ચિમથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસે ચિક્કોડીથી પ્રિયંકા જારકીહોલી, ગુલબર્ગા (SC)થી રાધાકૃષ્ણ, ધારવાડથી વિનોદ આસૂતી, બેંગ્લોર ઉત્તરમાંથી એમ રાજીવ ગૌડા, બેંગ્લોર દક્ષિણમાંથી સૌમ્યા રેડ્ડી અને બેંગ્લોર મધ્યમાંથી મન્સૂર અલી ખાનને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે પશ્ચિમ બંગાળની બેરહામપોરથી અધીર રંજન ચૌધરીને ફરી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર તેમનો મુકાબલો રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા યુસુફ પઠાણ સામે થશે. તેનાથી આ બેઠક હાઇ પ્રોફાઇલ બનશે, કારણ કે મમતા બેનર્જી અધીર રંજનને હરાવવા માટે તમામ પ્રયાસો કરશે.
કોંગ્રેસે માલદા દક્ષિણથી અબુ હાસેમ ખાન ચૌધરીના પુત્ર ઈશા ખાન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. અબુ હાસેમ ખાન ચૌધરી આ સીટ પરથી વર્તમાન સાંસદ છે. અગાઉ, કોંગ્રેસે 19 એપ્રિલથી શરૂ થનારી સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે બે યાદીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી હતી.
ગુજરાતની 11 બેઠકો માટે ઉમેદવારોના
ગાંધીનગર – સોનલ પટેલ
આણંદ – અમિતભાઇ ચાવડા
પાટણ – ચંદનજી ઠાકોર
ખેડા – કાળુસિંહ ડાભી
સાબરકાંઠા – ડો. તુષાર ચૌધરી
પંચમહાલ – ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ – પ્રભાબેન તાવીયાડ
જામનગર – જે પી મારવિયા
છોટાઉદેપુર – સુખરામભાઇ રાઠવા
અમરેલી – જેનીબેન ઠુંમર
સુરત – નિલેશ કુંભાણી