દુકાનમાં ઉંદરોના પુરાવા મળ્યા બાદ રેડીંગ કાઉન્સિલની એન્વાયર્નમેન્ટ હેલ્થ ટીમ દ્વારા રેડીંગ ટાઉન સેન્ટરમાં વેસ્ટ સ્ટ્રીટ ખાતે આવેલી કેન્યા મીટ્સ – બુચર્સને બંધ કરાવી હતી. જાહેર જનતા તરફથી ફરિયાદ કરાતા કાઉન્સિલના ફૂડ સેફ્ટી ઓફિસર્સે 27 ફેબ્રુઆરી 2024ના રોજ હાઇજીન ઇન્સેપેક્શન માટે દુકાનની મુલાકાત લીધી હતી.
જે દરમિયાન તમામ ખાદ્યપદાર્થોની હેન્ડલિંગ અને સ્ટોરેજ વિસ્તારોમાં, ખાસ કરીને કસાઈખાનામાં અને ભોંયરામાં ઉંદરની લીંડીઓ મળી હતી. અધિકારીઓને શેલ્ફ, તાજા ફળો અને શાકભાજી, મીટ મિન્સર અને હેન્ડ-વોશ બેસિન વિસ્તારો પણ ઉંદરોના દૂષણના સંપર્કમાં આવ્યા હોવાનું જણાયું હતું. અસરગ્રસ્ત સ્ટોકનો પાછળથી સ્વેચ્છાએ દુકાન દ્વારા નિકાલ કરાયો હતો.
બિઝનેસની માલીકી તાજેતરમાં જ બદલાઇ છે. અધિકારીઓએ હાઇજીન ઇમરજન્સી પ્રોહિબીશન નોટીસ ઇસ્યુ કરી દુકાન બંધ કરાવી આરોગ્ય જોખમ દૂર ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરતા મેજિસ્ટ્રેટે હાઈજીન ઈમરજન્સી પ્રોહિબિશન ઓર્ડરને માન્ય રાખ્યો હતો અને ખર્ચ પેટે દુકાન માલિકને £3,020 ચૂકવવા આદેશ આપ્યો હતો.