(ANI Photo/Rahul Singh)

ભ્રામક જાહેરખબરો આપવા બદલ અપાયેલી કોર્ટ તિરસ્કારની નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ રહેવા બદલ સુપ્રીમ કોર્ટે મંગળવારે પતંજલિ આયુર્વેદની આકરી ઝાટકણી કાઢી હતી અને યોગ ગુરુ બાબા રામદેવને તેની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને પણ સમન્સ પાઠવ્યા હતાં.

સુપ્રીમ કોર્ટે ગયા મહિને પતંજલિને તેની પ્રોડક્ટ્સની ખોટી જાહેરખબરો આપવા માટે પ્રથમ દૃષ્ટિએ નિયમ ઉલ્લંઘનની દોષિત માની હતી. કોર્ટે પતંજલિ અને બાલકૃષ્ણને નોટિસ પાઠવીને પૂછ્યું હતું કે તેમની સામે અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ. કોર્ટે વધુ આદેશન ન થાય ત્યાં સુધી પતંજલિની પ્રોડક્ટ્સની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે પતંજલિએ તેના અગાઉના આદેશ પછી પ્રેસ કોન્ફરન્સ યોજી હોવા છતાં નોટિસનો જવાબ દાખલ કર્યો નથી. કોર્ટે સવાલ કર્યો હતો કે “તમે હજુ સુધી તમારો જવાબ કેમ દાખલ કર્યો નથી? અમે મેનેજિંગ ડિરેક્ટરને આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થવા માટે કહીશું,”

પતંજલિ આયુર્વેદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ આ પગલાનો વિરોધ કર્યો અને જાણવા માંગ્યું કે, “રામદેવ ચિત્રમાં કેવી રીતે આવે છે? કોર્ટે જવાબ આપ્યો હતો કે “તમે હાજર થઈ રહ્યા છો. અમે આગામી તારીખે જોઈશું.

કોર્ટ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં રામદેવ દ્વારા રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ સામે ખોટા અભિયાનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY