લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે સોમવારે બપોરે ગુજરાત, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના ટોચના અમલદારો સહિત છ ગૃહ સચિવોને દૂર કરવાના આદેશો જારી કર્યા હતાં. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકની બદલીનો પણ આદેશ કર્યો હતો.ગુજરાતના પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના કે. કે. સૈથિલ કુમાર, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા
ચૂંટણી પંચે ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવો તેમજ મિઝોરમ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનોના કાર્યાલય સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓની બદલીનો પણ આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને સમગ્ર મહારાષ્ટ્રની નગરપાલિકાઓના અન્ય અધિકારીઓને પણ હટાવી દેવામાં આવ્યા છે.
ભારતમાં 19 એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને તેમના બે સહયોગીઓજ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની બેઠક બાદ ECI આ આદેશ જારી કર્યાં હતા. આ પગલું આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ તેમજ 13 રાજ્યોમાં 26 બેઠકો માટેની પેટાચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોને સમાન તક મળે અને કોઇની સાથે ભેદભાવ ન થાય તે માટે ભરવામાં આવ્યું છે.