ચૂંટણીતારીખોની જાહેરાતની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેરળમાં કમળ ખીલશે અને ભાજપની આગેવાની હેઠળનું NDA આગામી ચૂંટણીમાં અગાઉના રેકોર્ડને તોડીને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરશે.
પથનમથિટ્ટામાં જંગી જનસભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે આપણે ટૂંક સમયમાં લોકશાહીના ભવ્ય ઉત્સવના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. મને દ્રઢ વિશ્વાસ છે કે આ વખતે કેરળનો ભાજપ પ્રત્યેનો પ્રેમ એક વિશાળ સમર્થનમાં પરિવર્તિત બનશે.. મને દ્રઢ વિશ્વાસ છે કે આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તૂટી જશે. મને વિશ્વાસ છે કે આ વખતે આપણું કેરળ LDF અને UDF ના દુષ્ટચક્રને તોડી નાખશે. મને દ્રઢ વિશ્વાસ છે કે આ વખતે કેરળ ભાજપને ભરપૂર સમર્થન આપશે. મોદી તમને વચન આપે છે કે તેઓ કેરળના વિકાસ માટે કોઈ કસર છોડશે નહીં,”
બીજી તરફ મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારના રોજ કોઈમ્બતુર પોલીસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 18 માર્ચે પ્રસ્તાવિત ચાર કિલોમીટરના રોડ-શોને “વાજબી શરતો” સાથે પરવાનગી આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે રોડ-શોનો સૂચિત રૂટ સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ હોવાનો ઉલ્લેખ કરીને પરવાનગીનો અસ્વીકાર કરી શકાય નહીં. અગાઉ આસિસ્ટન્ટ કમિશનરે ભાજપના આ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી. પોલીસના ઓર્ડરને ભાજપના નેતાએ કોર્ડમાં પડકાર્યો હતો.