અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારની રાત્રે કથિત રીતે નમાઝ પઢી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર એક ટોળાએ હુમલો કર્યો કર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આફ્રિકન દેશો, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના હતા. ટોળાના હુમલામાં પાંચ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને શક્ય તેટલી વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવા અને ન્યાયી તપાસ સુનિશ્ચિત આદેશ આપ્યો હતો.
વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે કેમ્પસમાં કોઈ મસ્જિદ નથી, તેથી તેઓ રમઝાન દરમિયાન રાત્રે અદા કરવામાં આવતી નમાઝ (તરાવીહ) અદા કરવા માટે હોસ્ટેલની અંદર એકઠા થયા હતાં. થોડા સમય પછી લાકડીઓ અને છરીઓથી સજ્જ ટોળું હોસ્ટેલમાં ધુસી આવ્યું હતું અને તેમના પર હુમલો કર્યો. ટોળાએ રૂમમાં પણ તોડફોડ કરી હતી.હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યાં હતા. અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ટોળામાં રહેલા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમને પૂછ્યું કે તેમને હોસ્ટેલમાં કોણે નમાઝ પઢવાની મંજૂરી આપી હતી. તેઓએ લેપટોપ, ફોન અને બાઈકને નુકસાન પહોંચાડ્યું હતું. પાંચ ઘાયલ વિદ્યાર્થીઓમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને તુર્કમેનિસ્તાનના એક-એક અને આફ્રિકન દેશોના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
હૈદરાબાદના સાંસદ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાની નિંદા કરી હતી અને સવાલ કર્યો હતો કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ દરમિયાનગીરી કરશે.