મુંબઈમાં ફિલ્મ શૈતાનના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલિવૂડ અભિનેતા અજય દેવગણ, આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા (ANI ફોટો)
અજય દેવગન અને આર. માધવન જેવા અનુભવી કલાકારો અભિનીત ફિલ્મ ‘શૈતાન’ રિલીઝ થઇ ગઇ છે. કાળા જાદુ, વશીકરણ અને અંધશ્રદ્ધાની એક અલગ જ ડરામણી દુનિયામાં લઈ જનારી આ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મેળવી હતી, હવે આ ફિલ્મને દર્શકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.
આ ફિલ્મની સ્ટોરી મુજબ કબીર (અજય દેવગન) તેની પત્ની જ્યોતિ (જ્યોતિકા), પુત્રી જાનવી (જાનકી બોડીવાલા)
અને પુત્ર ધ્રુવ (અંગદ રાજ) સાથે તેના પરિવારમાં સુખી જીવન જીવી રહ્યો છે. પરંતુ અચાનક તેમના જીવનમાં ભૂકંપ આવી જાય છે. એક દિવસ તેઓ રજા માટે તેમના ફાર્મહાઉસ જવાનું પ્લાનિંગ કરે છે, રસ્તામાં તેઓ વનરાજ (આર માધવન) ને ઢાબા પર મળે છે. વનરાજ એક સરળ અને ભરોસાપાત્ર વ્યક્તિ દેખાય છે અને કબીરના પરિવારનો વિશ્વાસ જીતી લે છે.
અહીંથી કબીર અને તેના પરિવાર માટે મુસીબતો શરૂ થાય છે. વનરાજ, જાનવીને ખાસ પ્રકારના લાડુ ખવડાવીને તેનું પોતાના વશમાં લે છે. એટલું જ નહીં, તે કબીરના ફાર્મહાઉસમાં બળજબરીથી ઘૂસી જાય છે. હવે વનરાજ કાળા જાદુની મદદથી જાનવી સાથે ખૂની કૃત્યો કરે છે. કબીર તેની પુત્રીને વનરાજની માયાવીજાળમાંથી બચાવી શકે છે કે નહીં, તે જાણવા માટે ફિલ્મ જોવી રહી.
આર. માધવન આ ફિલ્મનું સૌથી મોટું આશ્ચર્યજનક તત્ત્વ છે, તેને આવા પાત્રમાં જોવો એક અલગ જ અનુભવ છે. આ ફિલ્મ માધવન કેન્દ્રિત હોય તેવું લાગે છે.
વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘વશ’ની રીમેક છે, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વિકાસ બહલનું દિગ્દર્શન પણ સારું છે. આ ફિલ્મમાં બ્લેક મેજિક અને વશીકરણનો રસપ્રદ દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. હોરર ફિલ્મોના ચાહકોને આ ફિલ્મ જોવી ગમશે.

LEAVE A REPLY